Video: કચ્છના ધોરડોમાં રણોત્સવને પગલે પ્રવાસીઓનો ધસારો, 42 રિસોર્ટ અને ટેન્ટ સિટી સહિત કરાઈ આ ખાસ વ્યવસ્થા

સફેદ મીઠાની ચાદર અને કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિનો સંગમ એટલે વિશ્વપ્રસિદ્ધ 'રણોત્સવ'. ધોરડો ખાતે ૧ નવેમ્બરથી રણોત્સવ ૨૦૨૬-૨૭નો વિધિવત પ્રારંભ થયો છે, પરંતુ આ વર્ષે કુદરત મહેરબાન થતાં સફેદ રણનો નજારો ઑક્ટોબરથી જ ખીલી ઊઠ્યો છે. સમય કરતાં વહેલી જામેલી પ્રવાસન સીઝન, આધુનિક સુવિધાઓ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો થકી ધોરડો વૈશ્વિક પ્રવાસન નકશા પર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
સહેલાણીઓની સુવિધા માટે તંત્ર સજ્જ
જામનગર, રાજસ્થાન અને મણિપુર સહિત દેશભરમાંથી આવતા પ્રવાસીઓ સફેદ રણના અલૌકિક સૌંદર્ય અને શ્રેષ્ઠ વ્યવસ્થાઓનો આનંદ માણી રહ્યા છે. સહેલાણીઓની સુવિધા માટે વહીવટી તંત્રે સબરસ બસ સ્ટેન્ડથી વૉચ ટાવર સુધી એસ.ટી.ની 'હૉપ-ઑન, હૉપ-ઑફ' બસ સેવા શરૂ કરી છે. આ ઉપરાંત, આઇકૉનિક ટેન્ટ સિટી અને 'ગેટવે ટુ રણ' સહિત ધોરડો તથા આસપાસના ૪૨ રિસૉર્ટ અને હોમ-સ્ટેમાં રોકાણની ઉત્તમ સુવિધા સાથે કચ્છની પરંપરાગત મહેમાનગતિ પીરસવામાં આવી રહી છે.
કચ્છી હસ્તકલાના વેચાણ માટે સ્ટૉલ્સ ફાળવાયા
પ્રવાસીઓની વધતી સંખ્યાથી સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને કારીગરોને આજીવિકા પૂરી પાડવા ડી.આર.ડી.એ. (DRDA) દ્વારા કચ્છી હસ્તકલાના વેચાણ માટે ખાસ સ્ટૉલ્સ ફાળવવામાં આવ્યા છે. આમ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને રોજગારીનો આ સમન્વય ધોરડોને ગુજરાતના ટકાઉ પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસતનું સશક્ત પ્રતીક બનાવી રહ્યો છે.






