બિરસા મુંડાની જન્મજયંતીએ પંચમહાલમાં રાજકીય ગરમાવો, કોંગ્રેસ-AAPની સંયુક્ત સભામાં શંકરસિંહ વાઘેલા હાજર

આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે ભાજપના સત્તાવાર કાર્યક્રમની સમાંતર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓની સંયુક્ત સભા યોજાઈ હતી. જેમાં AAPને ભાજપની 'બી ટીમ' કહેનાર કોંગ્રેસ એક સાથે મંચ પર જોવા મળ્યા હતા. આ વિપક્ષી નેતાઓની સભામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત AAPના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ મોરવા હડફમાં કોંગ્રેસ અને AAPની સભા
કોંગ્રેસ અને AAPની સભામાં યુવા નેતાઓ તેમજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સભા દરમિયાન શંકરસિંહ વાઘેલાની હાજરીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયાની કામગીરીના જાહેરમાં વખાણ કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
પૂર્વ મુખ્યમંત્રીએ શું કહ્યું?
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે જણાવ્યું કે, "મોરવા હડફ, પંચમહાલ, ગોધરા મારો જુનો લોકસભાનો મતવિસ્તાર. બિરસા મુંડાની જન્મજયંતીએ તેમની પ્રતિમાના દર્શન કર્યા. કહેવાતા સમાજમાં રીતસરની આજના આધુનિકતાને એમને અભડાવી નથી. સાચા જળ, જમીન અને જંગલના માલિક કહી શકાય, એ આદિવાસી ભલે વિકાસ થયો હોય પણ આજે પણ તેઓ તેમની મસ્તીમાં જીવે છે. આજે આદિવાસી વિસ્તારોમાં પાણી, શિક્ષણ, લાઈટ, દવાખાના, યોગ્ય રસ્તા નથી અને કઈ સુવિધા નથી. બનાવટી આદિવાસી બનીને આદિવાસીને મળતા લાભ લઈ જાય એની પીડા છે. આ મામલે સરકાર વિચાર કરે અને કેટલાક નિયમો બનાવે. તેમજ જંગલ ખાતુ જંગલનો માલિક ન હોય, માલિક તો આ લોકો છે, એમને કનડગત ન કરવી જોઈએ. હવે આવનાર સમય અને આપસૌ નક્કી કરશો કે આગામી ચૂંટણીમાં શું થશે."












