મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો: નાસ્તામાં કાચનો ટુકડો મળ્યાનો આક્ષેપ, DEOની નોટિસ

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ ન

શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો: નાસ્તામાં કાચનો ટુકડો મળ્યાનો આક્ષેપ, DEOની નોટિસ
આ સમાચાર સાંભળો

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન સ્કૂલમાં ભારે વિવાદ થયો છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. આ ચોંકાવનારી ઘટના અંગે જ્યારે વાલીઓ સ્કૂલ મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે શિક્ષકો દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઊઠી છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે થયેલી આ ગંભીર બેદરકારી અને શાળા પ્રશાસનની દાદાગીરીના વિરોધમાં રોષે ભરાયેલા વાલીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં વિવાદ

નાસ્તાના વિવાદ ઉપરાંત, સ્કૂલ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાના પણ ગંભીર આરોપો લાગ્યા છે. વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાળામાં વિદ્યાર્થીઓને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી શાળામાં નિયમિત થતી સવારની પ્રાર્થના પણ સદંતર બંધ કરી દેવામાં આવી હોવાની ફરિયાદ ઊઠી છે. આ મુદ્દે હિન્દુ સંગઠનો અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેમણે આ મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી છે.

આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઈને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક પગલાં લઈ આનંદ નિકેતન શાળાને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામ આક્ષેપો અંગે સત્વરે ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

બીજી તરફ, રોષે ભરાયેલા વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ શાળા સંકુલમાં જબરદસ્ત હોબાળો મચાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે શાળા કેમ્પસમાં ભારે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો