મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના 3 જિલ્લામાં અકસ્માતના કેસમાં મેડિક્લેમનું કૌભાંડ, 24 દુર્ઘટનામાં એક જ ડ્રાઈવર

ગુજરાતના પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લામાં બોગસ ચાલક બનીને વીમા પાસ કરાવવાનું કૌભાંડ ઝડપા

ગુજરાતના 3 જિલ્લામાં અકસ્માતના કેસમાં મેડિક્લેમનું કૌભાંડ, 24 દુર્ઘટનામાં એક જ ડ્રાઈવર

ગુજરાતના  પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લામાં બોગસ ચાલક બનીને વીમા પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગોધરા તાલુકા પોલીસ મથકે બે ભેજાબાજ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ખાનગી વિમા કંપનીના મેનેજરે અસલમ મોહંમદ ચુચલા અને સિકંદર સુલેમાન સામદ સામે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના ૨૪ જેટલા કેસોમાં ભેજાબાજ અસલમ ચાલક તરીકે ખોટી રીતે રજૂ થતો હોવાનું બહાર આવ્યું છે..

ખાનગી વીમા કંપની સમક્ષ વાહન અકસ્માતનો ક્લેમ આવતા કૌભાંડનો પર્દાફાશ 

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરામાં આવેલા બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજરે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે સને 2016માં ગોધરાની પંચમહાલ મોટર એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ વાહન અકસ્માતના એક કેસમાં બજાજ એલિયાન્ઝ જનરલ ઈનસ્યોરન્સ કંપનીને નોટિસ મળી હતી. અરજદાર જગદીશભાઈ લક્ષ્મણભાઈ બારીઆ હતાં અને સામાપક્ષે ચાલક તરીકે અસલમ મોહંમદ ચુંચલા તેમજ વાહન માલિક તરીકે સિકંદર સુલેમાનભાઈ સામદ અને બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યુ.કુ.લી. હતી. જગદીશભાઈ લક્ષ્મણભાઈ બારીયા 22 ઓકટોબર 2015માં તુફાન ગાડીમાં બેસીને ગોધરા તરફ જતા હતા ત્યારે થયેલા અકસ્માતને લઈને પંચમહાલના મોટર એક્સીડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ વાહન અકસ્માતનો કેસ દાખલ કરીને વીમા કંપની પાસે ત્રણ લાખનું વળતર મેળવવા અરજી કરી હતી, જે કેસના ઈન્વેસ્ટીગેશન માટે વીમા કંપની દ્વારા ખાનગી તપાસ એજન્સીને તપાસ આપવામાં આવી હતી.

 અસલમ મોહંમદ ચુંચલાની પોલીસે અટકાયત કરી

તપાસ દરમિયાન માલુમ પડયું હતું કે, અકસ્માતના બનાવમાં પોલીસ દ્વારા અસલમ મોહંમદ ચુંચલાને ચાલક તરીકે બતાવી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઈન્વેસ્ટીગેશન એજન્સીએ તેઓના રિપોર્ટમાં ચાલક અસલમ મોહંમદ ચુંચલા અન્ય અકસ્માતના કેસમાં પણ ચાલક તરીકે હોવાનો ઉલ્લેખ કરીને કંપનીમાં રિપોર્ટ સબમીટ કર્યો હતો. 

જેથી કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોપી અસલમ મોહંમદ ચુંચલાના અન્ય ગુનાઓ તેમજ કોર્ટમાં દાખલ થયેલા વાહન અકસ્માતના કેસોની કોર્ટની વેબસાઈટ ઉપર તપાસ કરતા આ આરોપીના પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકના વાહન અકસ્માતના બનાવોમાં વાહન માલિક તરીકે બતાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપી બાબતે તપાસ કરતા તે ખોટી રીતે ચાલક તરીકે ઉભો રહી લોકોને વીમાક્લેઈમ અપાવતો હોવાની માહિતી મળી હતી. 

આ પણ વાંચો: ઝઘડિયા દુષ્કર્મ પીડિત બાળકીનો મોત સામે જંગ, માસૂમની સ્થિતિ જોઈને ડોક્ટરો પણ હતપ્રભ

અકસ્માતના બનાવમાં ચાલક અસલમ મોહંમદ ચુંચલાને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું બજાજ એલિયાન્ઝ જનરલ ઈનસ્યોરન્સ કંપનીને શંકાસ્પદ જણાતા વીમા કંપની દ્વારા રીઈન્વેસ્ટીગેશન માટે એસઆઈટીમાં અરજી કરી હતી. આરોપી અસલમ મોહંમદ ચુંચલા વિરૂઘ્ધ નોંધાયેલા ગુનાઓ પૈકી આરોપી વિરૂદ્ધ પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના જુદા જુદા 24 ગુનાની વિગતો સામે આવી હતી.

અસલમ મોહંમદ ચુંચલા જુદા જુદા અકસ્માતોના બનાવોમાં ચાલક કે વાહન માલિક તરીકે ખોટી રીતે રજુ

આરોપી અસલમ મોહંમદ ચુંચલા જુદા જુદા અકસ્માતોના બનાવોમાં ચાલક કે વાહન માલિક તરીકે ખોટી રીતે રજુ થયો હતો. તેમજ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ અકસ્માતના ગુનામાં પોતે અકસ્માતવાળા વાહનનો ડ્રાઈવર ન હોવા છતાં ખોટી રીતે ડ્રાઈવર તરીકે રજૂ થઈ અકસ્માત થયેલા વાહનના માલિક સિકંદરભાઈ સુલેમાનભાઈ સામદ સાથે મળીને કાવતરૂ રચીને ખોટી રીતે વીમા ક્લેઈમની રકમ મેળવવા તથા અપાવવાનો ગુનો આચર્યો હતો. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી.

આ સમાચાર શેર કરો