'હૃદયદ્વાવક ઘટનાથી અમારા માથા શરમથી ઝૂક્યા', શા માટે ગુજરાત હાઈકોર્ટે આપ્યું આ નિવેદન
ગુજરાતમાં થોડા દિવસ પહેલાં એક શરમજનક ઘટના બની હતી. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય ક્ષેત્રે હરણફાળના પોકળ

ગુજરાતમાં થોડા દિવસ પહેલાં એક શરમજનક ઘટના બની હતી. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય ક્ષેત્રે હરણફાળના પોકળ દાવાઓની પોલ ખૂલી ગઈ હતી. ગુજરાતના છેવાડાના ગામોમાં આરોગ્યની સુવિધા પહોંચી નથી. જેના કારણે છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પરપ્રાંતિય મહિલાને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જીવ ગુમાવવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. ગુરૂવારે (3 ઓક્ટોબર) અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ઘટનાને શરમજનક જણાવી હતી.
શું હતો સમગ્ર બનાવ?
ગાંધી જયંતિના દિવસે જ છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જોકે, ત્યાં રસ્તાના અભાવે પહેલાં પાંચ કિમી સુધી ઝોળીમાં નાંખીને ગ્રામજનો લઈ ગયાં અને ત્યાંથી 108 આવવાની હતી. આ 108 દ્વારા સગર્ભાને 25 કિમી દૂર રાજકોટની હોસ્પિટલમાં લઈ જઈ જવાની હતી. જોકે, 108 સગર્ભાને લઈને રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ તો પહોંચી, પરંતુ આ દરમિયાન ગુજરાતની સરકારી હોસ્પિટલમાં તુમારશાહીનો વરવો નમુનો રાજકોટમાં જોવા મળ્યો.
હાઈકોર્ટ દાખલ કરી સુઓમોટો અરજી
સમગ્ર સમાચાર સામે આવતાં, આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી વખતે હાઈકોર્ટે કહ્યું કે,આ પ્રકારના બનાવથી અમારૂ માથું શરમથી ઝૂકી ગયું છે. ગુરૂવારે (3 ઓક્ટોબર) હાઈકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટીસ નીશા ઠાકોરની બેન્ચ દ્વારા બીજી ઓક્ટોબરે બનેલી આ ઘટનાની સુનાવણી હતી.
અમારા માથા આ સમાચારથી શરમથી ઝૂકી ગયાં
સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું કે અમારા માથા આ સમાચારથી શરમથી ઝૂકી ગયાં છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ સરકાર આવી જગ્યાએ રોડ બનાવી નથી શકતી. આપણે જમ્મુ-કાશ્મીરમાં ટનલ બનાવી શકીએ પણ ગામડાને 5 વર્ષથી રોડ નથી આપી શકતાં.






