સુરેન્દ્રનગર: દારૂની રેડ કરવા ગયેલી પોલીસને જ રૂમમાં પુરી દેવાઇ, પછી આ રીતે થયો છૂટકારો
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસને બુટલેગરો દ્વારા ર

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસને બુટલેગરો દ્વારા રૂમમાં પુરી દેવામાં આવી હતી. દારુ સગે વગે કર્યા બાદ પોલીસને બહાર કાઢવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ અને ખાસ કરીને છેવાડાના જે ગામો આવેલા છે ત્યાં જુગાર ધામ ચાલુ થઈ ગયા છે. સુરેન્દ્રનગર શહેરમાં તો જાહેરમાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે તેવા સંજોગોમાં વધુ એક સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ ઊભો કરતો બનાવ સામે આવ્યો છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઝીંઝુવાડા ગામની અંદર એક ઘરમાં વિદેશી દારૂ છૂપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેડ કરવા ગઇ હતી આ દરમિયાન પોલીસ જે ઘરમાં તપાસ કરવા માટે પહોંચી હતી તે ઘરને જ બહારથી બંધ કરી દેવામાં આવ્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘરની અંદર પુરી બુટલેગરોએ દારુ સગે વગે કરી નાખ્યો હતો.
આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા ઝીંઝુવાડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રૂમમાં પુરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બહાર કાઢી હતી. જોકે, આ પહેલા જ વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરી નાખવામાં આવ્યો હતો અને પોલીસે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.






