મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડીસા બ્લાસ્ટકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, LCBએ ઈન્દોરથી ઠેકેદારને ઝડપ્યો

બનાસકાંઠાના ડીસામાં ગત 1 એપ્રિલના રોજ ગેરકાયદેસર ચાલત ફટાકડાની ફેક્ટરી

ડીસા બ્લાસ્ટકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, LCBએ ઈન્દોરથી ઠેકેદારને ઝડપ્યો

બનાસકાંઠાના ડીસામાં ગત 1 એપ્રિલના રોજ ગેરકાયદેસર ચાલત  ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં થયેલા ભયંકર વિસ્ફોટ થયો હતો અને ભયંકર આગ લાગી હતી. આ મોટી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 22 શ્રમિકો હોમાયા હતા. આ ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ મોનાણી અને તેમના પુત્ર દીપક મોનાણી વિરુદ્ધ સાપરાધ માનવવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. 

ઈન્દોરથી આરોપી ઠેકેદારની ધરપકડ

ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં ફરી એક નવો ખુલાસો થયો છે. ઈન્દોરથી મુખ્ય ઠેકેદાર હરીશ રામચંદ્ર મેઘવાનીની અટકાયત કરવામાં આવી છે. આરોપી ઠેકેદાર હરીશ ટ્રેઝર ટાઉન સોસાયટી, બજિલપુર, ઇન્દોરનો રહેવાસી છે. મુખ્ય આરોપીઓ અને આરોપી ગોડાઉન માલિકો અને હરીશ એક જ સમયના હોવાથી લાંબા સમયથી એક બીજાને ઓળખતા હતા. 

મજૂરોને MPથી ડીસા મોકલી આર્થિક ફાયદો મેળવતો

આરોપી હરીશે ઠેકેદાર લક્ષ્મી અને પંકજ સાથે મળીને પહેલા સ્થળની તપાસ કરી હતી અને તેઓએ સુતળી ફટાકડા બનાવવા માટે આ ગોડાઉનને યોગ્ય ગણ્યું હતું. જે બાદ તે હરદા જિલ્લાથી નિયમિત રીતે મજૂરોને ડીસાના દિપક ફટાકડા ગોડાઉનમાં મોકલીને આર્થિક ફાયદો મેળવતો હતો. LCBના પીએસઆઈ આર.બી. જાડેજાની ટીમે ઇન્દોરમાં તપાસ દરમિયાન હરીશ મેઘવાનીને ઝડપી લીધો હતો. પોલીસની અલગ અલગ ટીમો મધ્યપ્રદેશ તામિલનાડુ સહિતના અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરી રહી છે.

શ્રમિકોના માનવ અંગો 50 મીટર સુધી ફંગોળાયા હતા

ડીસાના GIDC વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે શ્રમિકોના શરીરના અંગો 50 મીટર સુધી ફંગોળાયા હતા. એટલું જ નહીં પરંતુ ફેક્ટરીની નજીકના ખેતરોમાંથી પણ શ્રમિકોના માનવ અંગો મળી આવ્યા હતા. ભયાનક વિસ્ફોટ બાદ આગ ફેલાતાં 5થી 8 વર્ષના બાળકો સહિત 22 શ્રમિકોના જીવ ગયા હતા.

આ સમાચાર શેર કરો