ગુજરાતમાં ચાર સ્થળો પર ગંભીર અકસ્માતમાં એકનું મોત, 13 ઘાયલ સારવાર હેઠળ
ગુજરાતમાં જાણે અકસ્માતની હારમાળ સર્જાઈ છે. રોજબરોજ ક્યાંકને ક્યાંકથી અકસ્માતના સમાચાર આવતા હોય છે.

ગુજરાતમાં જાણે અકસ્માતની હારમાળ સર્જાઈ છે. રોજબરોજ ક્યાંકને ક્યાંકથી અકસ્માતના સમાચાર આવતા હોય છે. એવામાં ગુજરાતમાં ચાર સ્થળો પરથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સાબરકાંઠામાં ઈકો બની મોતની સવારી
સાબરકાંઠામાં મોતની સવારીનો અકસ્માત યથાવતરુપે જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં લાંબડીયા પોશીના રોડ પર ઇકો કારને અકસ્માત નડ્યો હતો જેમાં 9 જેટલા પેસેન્જર ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. લાબડીયાથી કોટડા વચ્ચે દેમતી ગામ પાસે આ ઘટના બની હતી જેમાં ઇકો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
ડ્રાઇવરને જીસીબી મશીન દ્વારા ગાડીનું પતરું ખેંચીને બહાર કરવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલને સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ખેરોજ પોશીના વડાલી તેમજ ખેડબ્રહ્માની 3 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. તેમજ અકસ્માતને પગલે ખેરોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ પહેલાં હમણાં જ ઈડર વડાલી સ્ટેટ હાઇવે રોડ પર ગાડીને અકસ્માત નડ્યો હતો. આ સિવાય તાજેતરમાં જ જીપ ગાડી ટ્રકની પાછળ ઘુસી જતાં 38 કરતા વધૂ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મોતની સવારી સ્થાનિક પોલીસ માટે ખુલ્લો પડકાર બની રહી છે.
અમદાવાદના ગોમતીપુરમાં સગીર કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું
અમદાવાદમાં ફરી પૂર ઝડપે કાર હંકારતો સગીરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગોમતીપુર વિસ્તારમાં સગીર બેફામ રીતે કાર હંકારતો હતો. જ્યાં સગીરે એકટીવા ચાલકને અડફેટે લીધો હતો. એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યો હતો. એવામાં સ્થાનિક લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરી વાયરલ કર્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરની પોલીસે અટકાયત કરી છે. આ મામલે H ડિવિઝન ટ્રાફિક પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન
અમદાવાદમાં બાવળા ચાંગોદર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ટ્રક ચાલકે 4 લોકોને અડફેટે લીધા હતા જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં પણ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા તમામને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બાવળા રજોડા રોડ પર આવેલ ગાય છાપ બેસનની સામેની તરફ શેરડીનો રસ પીતા 4 લોકોને ટ્રક અડફેટે લીધા હતાં. અકસ્માત કરી ટ્રક લઈને ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. અકસ્માત થતાં લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોને વધુ સારવાર માટે અમદાવાદ સોલા સીવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાવળા પોલીસે અકસ્માતને પગલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના સાણંદ, ચાંગોદર, બાવળા,ધોળકા, બગોદરા, ધોલેરા, પીપળી, વટામણ, સરોડા જેવા હાઈવે રોડ ઉપર બેફામ દોડી રહેલા ડમ્પર ઉપર લગામ લગાવવા બાવળાના સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ કલેકટરને પણ લેખિતમાં રજૂઆત કરી છે અને સંકલનમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.
સાપુતારામાં બ્રેક ફેઈલ જતાં યુવક બાઈક સાથે ખીણમાં ખાબક્યો
ડાંગમાંથી ફરી એક વખત ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સાપુતાર ખાતે ટેબલ પોઈન્ટ નજીક અકસ્માત સર્જાયો હતો. ફોટોગ્રાફીનું કામ કરતા યુવકની બાઈક ખાઈમાં પડતા યુવકનું મોત નિપજ્યું હતું. મૂળ બિહારના ધનંજય ચૌરસિયા નામના યુવકના બાઈક ખાઈમાં પડી હતી. બાઈકમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતાં પહાડ પરના ઘાટમાં બેકાબુ બાઈક ખાઈમાં પડી હતી. યુવક સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફીનું કામ કરતો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સામગાહન સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, યુવાને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં જ તેનું અવસાન થયું હતું.








