મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતભરમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી, બાળકોએ બનાવ્યા ચકલી ઘર તો ચેરીટેબલ સંસ્થાઓએ નિ:શુલ્ક વહેંચ્યા

બનાસકાંઠામાં પ્રા.શાળાના બાળકોએ બનાવ્યા પક્ષી ઘર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કરાઈ વિશ્વ ચકલી દિ

ગુજરાતભરમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી, બાળકોએ બનાવ્યા ચકલી ઘર તો ચેરીટેબલ સંસ્થાઓએ નિ:શુલ્ક વહેંચ્યા

બનાસકાંઠામાં પ્રા.શાળાના બાળકોએ બનાવ્યા પક્ષી ઘર

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કરાઈ વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ડીસાની રાજપુર પ્રા.શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વેસ્ટ બોક્સમાંથી ચકલી ઘર બનાવ્યા હતા. જેમાં બોક્સ પર લુપ્ત થતી ચકલી અને પર્યાવરણ બચાવવાના પ્રયાસોના સ્લોગન લખ્યા હતા. ગરમીના સમયમાં પક્ષીઓ માટે પાણીના કુંડા બનાવી દરેક ઘરના આંગણે લગાવવા અપીલ પણ કરી હતી.

ઉનાળામાં પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટે ભુજની સંસ્થા કાર્યરત

ભુજમાં માનવજયોત સંસ્થા દ્વારા ઉનાળાની કાળઝરતી ગરમીમાં પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા શુભ હેતુ સાથે માટીનાં પાણીનાં કુંડા, ચકલીઘર, શ્વાન માટે સિમેન્ટની કુંડીઓ, તથા ગૌમાતાઓ માટે મોટી પાણીની સિમેન્ટની ચાડીઓ ઠેર-ઠેર ગોઠવવામાં આવે છે. જેથી તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી શકે. અનેક વખત પાણી ન મળવાના કારણે અનેક પક્ષીઓ તડફડીને મૃત્યુ પામે છે. આવા પક્ષીઓ બચાવવા આ સંસ્થા છેલ્લા 21 વર્ષથી ચકલી બચાવો પક્ષીઓ બચાવો અભિયાન ચલાવે છે.

શરૂઆતના સમયમાં આ સંસ્થા દ્વારા 100થી 200 જેટલા ચકલીઘરોનું વિતરણ થતું હતું જ્યારે આજે 30,000 જેટલા ચકલીઘરો અને 40,000 પાણીના કુંડાઓનું વિતરણ થઇ રહ્યું છે. લોકોની જરુરીયાત અને માંગને પહોંચી વળવા અગાઉથી જ ચકલીઘર તૈયાર કરવામાં આવે છે. અનેક સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા મંડળો કુંડા ઉપર સંસ્થા-મંડળનું નામ લખાવી પોતાના ગામની અંદર વિશ્વ ચકલી દિનના દિવસે વિતરણ કરે છે. સંસ્થાના આ ચકલીઘરો દેશ વિદેશ સુધી પણ પહોંચ્યા છે.

પાટણની સંસ્થા ચકલી ઘર, પાણીના કુંડા આપી ઉજવે છે વર્લ્ડ સ્પેરો ડે

તારીખ ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ હર્ષ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર્યરત આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિનામૂલ્યે ચકલીઘર,પાણીનાકુંડાઅને ચકલીઓ માટેના ચણનું વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગુરૂવારના રોજ  પર્યાવરણ પ્રેમી નિલેશભાઈ રાજગોર અને તેમની સેવાભાવી ટીમ દ્વારા જલારામ સેવા ટ્રસ્ટ પાટણ અને પ્રકૃતિ મંડળ મહેસાણાના સૌજન્યથી ચકલી ઘર, પાણીના કુંડા અને ચકલીઓ માટેના ચણ નું  વિના મૂલ્ય વિતરણ કરી ચકલી બચાવો અભિયાનને વેગવાન બનાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો