સુરતના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યું નવું મહેમાન, માદા રીંછે આપ્યો તંદુરસ્ત બચ્ચાને જન્મ
સુરત મહાનગર પાલિકાના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાન આવ્યાં છે. આજે

સુરત મહાનગર પાલિકાના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાન આવ્યાં છે. આજે માદા રીંછ દ્વારા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતાં પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. બાળ રીંછ અને માદા રીંછની માવજત અને તકેદારી રાખવા માટે નેચર પાર્કનો સ્ટાફ સતત મોનીટરિંગ કરી રહ્યો છે. હાલમાં માદા રીંછ અને તેના બાળકની સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
નાઈટ શેલ્ટર રૂમમાં રખાયા
સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં સને 2018માં માદા રીંછનો જન્મ થયો હતો. પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા માદા રીંછનું નામ રિદ્ધિ રાખવામાં આવ્યું હતું. આ માદા રીંછ રિદ્ધિએ આજે બચ્ચાને જન્મ આપ્યો હતો. હાલમાં નેચર પાર્કના તબીબ અને સ્ટાફ દ્વારા હાલમાં બાળ રીંછ અને રિદ્ધિની સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તેના માટે પાંજરામાં આવેલ નાઈટ શેલ્ટર રૂમમાં સીસીટીવીના આધારે બંનેનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.
રીંછની સંખ્યા પાંચ થઈ
નેચર પાર્કના તબીબે કહ્યું કે, હાલમાં નવજાત રીંછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે. રિદ્ધિની પણ પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં નેચર પાર્કમાં ત્રણ માદા રીંછ અને એક નર રીંછ વસવાટ કરી રહ્યા છે. હવે વધુ એક નર બાળકનો જન્મ થતાં આ સંખ્યા વધીને પાંચ થવા પામી છે.








