ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટી કાર્યવાહી: કૌભાંડમાં સંડોવાયેલ 2 ડોક્ટરો ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તંત્ર દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. એવામાં ખ્યાતિ હોસ્પિટલ

ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તંત્ર દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. એવામાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા 2 ડોક્ટરને સસ્પેન્ડ કર્યાનું સામે આવ્યું છે. બંને ડોક્ટરોને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ડોક્ટર સંજય પટોડીયા અને ડોક્ટર શૈલેષ આનંદ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પીએમ જય યોજનાના ડાયરેક્ટર હેઠળની કમિટીએ કરેલા રિપોર્ટના આધારે મેડિકલ કાઉન્સિલરની સુનાવણીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમદાવાદમાંથી ખ્યાતિ હોસ્પિટલના ભયાનક કાંડનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં 105 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. CRPC-164 મુજબ સાત જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા હતા. 19 ઇલેકટ્રોનિકસ પુરાવા, 36 ફાઇલો તથા 11 રજિસ્ટર કબ્જે કરાયા હતા. 34 બૅન્ક ખાતાની માહિતી મેળવવામાં આવી હતી. આ સાથે આરોપીઓની મિલ્કતને લઈને તપાસ કરાઈ હતી. આ સિવાય 37 દર્દીઓની હિસ્ટ્રી કબ્જે કરવામાં આવી છે. ખ્યાતિ હૉસ્પિટલ કાંડના આઠ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરાઈ છે. ખ્યાતિ હૉસ્પિટલમાં દર્દીઓના મોત મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાન્ચે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5,670 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.




