પંચમહાલ / NEET પરીક્ષામાં ચોરી મામલે મોટા સમાચાર, પરશુરામ રોયના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET exam cheating scam 14-day remand granted of Parashuram Roy | પંચમહાલના ગોધરા ખાતે NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું હતું.

પંચમહાલના ગોધરા ખાતે NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. NEETની પરીક્ષામાં ચોરીના કૌભાંડના તાર વડોદરાની રોય ઓવરસીઝ સુધી પહોંચતા પોલીસ દ્વારા રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોયની પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આજે પરશુરામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું
જય જલારામ સ્કૂલમાં પરીક્ષામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટના મોબાઈલ માંથી વોટસએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.
પરીક્ષા સેન્ટરના સેન્ટર ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી મળ્યાં પુરાવા
ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતી મામલે જય જલારામ શાળાના શિક્ષક તેમજ NEET પરીક્ષા વખતે પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટને શાળાના ચેરમેન દિક્ષિત પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તુષાર ભટ્ટ ફોનની તપાસ કરવામાં આવી હતી. જેમાં બે પૈકીના એક મોબાઈલ ફોનમાંથી તપાસ દરમિયાન વોટ્સએપમાં પરશુરામ રોય નામની ચેટમાં કોમ્પ્યુટર સ્ક્રીનમાંથી મોકલેલા ત્રણ ફોટા મળી આવ્યા હતા. જેમાં 11 પરીક્ષાર્થીઓનાં નામો તથા તેની સામે રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનું સરનામું લખેલું મળી આવ્યું હતું.
અન્ય એક મેસેજમાં પરીક્ષાર્થીની વિગતો મળી આવી હતી. જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પૂછતા તમામ વિગતો વડોદરાની રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય નામના ઈસમે મોકલી હોવાનું જણાવ્યું હતું.
NEET પરીક્ષામાં ચોરી કૌભાંડની તપાસ માટે SITની રચના
સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ગોધરાના NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં પંચમહાલ પોલીસે SITની રચના કરી તપાસ ધરી છે. તેમજ આ મામલામાં સંડોવાયેલા વડોદરાની રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયની ધરપકડ બાદ રોય ઓવરસીઝની ઓફિસને સીલ કરવામાં આવી છે, તેમજ લેપટોપ અને કોમ્પ્યુટર તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યાં છે.








