મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 'ભૂખમરો આવશે પણ ધંધો નહીં છોડીએ': દુર્ગી ગામે પઢાર સમાજની હુંકાર, નળસરોવરમાં માછીમારી બંધ કરાવતા વિરોધનો સૂર રેલવ્યો

Ahmedabad news: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દુર્ગી ગા

Ahmedabad news: 'ભૂખમરો આવશે પણ ધંધો નહીં છોડીએ': દુર્ગી ગામે પઢાર સમાજની હુંકાર, નળસરોવરમાં માછીમારી બંધ કરાવતા વિરોધનો સૂર રેલવ્યો

Ahmedabad news: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દુર્ગી ગામે આજે શનિવારે એક મોટી જનસભા યોજાઈ હતી, જેમાં નળસરોવરની આસપાસ આવેલા 12થી વધુ ગામના લોકો એકઠા થયા હતા. તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા નળસરોવર વિસ્તારમાં માછીમારી તેમજ અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી ટકોર કરવામાં આવી હતી, જે મુદ્દે 12 ગામના લોકોએ નારાજગી વ્યક્ત કરી મુખ્યમંત્રી રજૂઆત કરી છે.

નળસરોવરની આસપાસ આવેલા દુર્ગી, મેની, વેકરિયા, દેવથળ, શિયાળ, રાણાગઢ, કઠેચી અને શાહપુર જેવા અનેક ગામોના હજારો લોકોની રોજીરોટી આ સરોવર પર નિર્ભર છે.  આ વિસ્તારમાં મુખ્યત્વે પઢાર આદિવાસી સમાજ વસવાટ કરે છે, જેમનો પેઢીઓ જૂનો મુખ્ય વ્યવસાય માછીમારી, જીતોલા અને થેગ કાઢવા તેમજ પશુપાલન છે. કોર્ટની ટકોર બાદ વન વિભાગે માછીમારી સાથે સંલગ્ન અન્ય પ્રવૃતિઓ પણ અટકાવી દીધી હોવાનો આરોપ છે. અને તેના કારણે અનેક પરિવારો સામે ભૂખમરાની સ્થિતિ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ગંભીર મુદ્દે દરજી ગામના કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બાબુ પઢાર દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.  આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે ગરીબ પરિવારોના ધંધા-રોજગાર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી યોગ્ય ઉકેલ લાવવામાં આવે.

પત્રમાં શું રજૂઆત કરવામાં આવી?
''મોજે ગામ દુર્ગી, મેણી, દેવડથલ, શિયાળ, મીઠાપુર, કોઠતલાવડી વિગેરે ગામડાનાં મોટા ભાગે આદિવાસી લોકોનાં વસવાટ કરે છે. અને તેઓ નળસરોવરમાં મછીમારી તેમજ થેગ, કાંદા, જીતોલા વગેરે લાવીને ધંધો કરે છે અને પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવે છે. જેથી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે તેઓની રોજગારીની તેમજ આદીવાસીનાં જીવન નિર્વાહ કરવા માટે એક માત્ર નળસરોવર એક રોજગારીનું સ્થળ છે જેથી ઉપરોક્ત ધંધો છીનવાઈ જાય નહીં તે માટે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે.''

માછીમારી અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકો: હાઈકોર્ટે
ઉલ્લેખનીય છે કે નળ સરોવર અને નડાબેટ જેવા પક્ષી અભયારણ્યના રક્ષણ માટે હાઈકોર્ટે એક સૂઓમોટો અરજી દાખલ કરી છે. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટાંક્યું હતું કે નળ સરોવરમાં કડક નિયમ પાલનની જવાબદારી સરકારની છે, નળ સરોવાર કોઈ પિકનિકની જગ્યા નથી, માછીમારી અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ.

હાઈકોર્ટની ટકોર, સરકારનું મૌન, વન વિભાગ એક્શનમાં
જો કે મળતી માહિતી મૂજબ સરકાર દ્વારા હજુ સુધી નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ સહિતની બાબતે કોઈ સત્તાવાર પરિપત્ર બહાર પડવામાં આવ્યો  નથી. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બાબુ પઢાર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે પણ આ વાતની પુષ્ટી કરી હતી, પરંતુ સાથે એ પણ જણાવ્યું હતું કે ''વન વિભાગના કર્મચારીઓ 12 ગામના લોકોને માછીમારી કરતા રોકી રહ્યા છે. જેથી તેમની આજીવિકાને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે. જેના વિરોધમાં આદિવાસી પઢાર સમાજના લોકો જે માછીમારી અને સરોવર સંબંધિત અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે વિરોધનો સૂર રેલવ્યો છે.'' જેને લઇ બારથી વધુ ગામના લોકો દુર્ગી ગામે ઝૂંપાળી  માતા મંદિરે ભેગા થયા હતા અને ધંધા રોજગાર ઉપર અસર પડે તો તેની સામે છેક સુધી લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો