અમદાવાદમાં નબીરાનો આતંક: શીલજ-થલતેજ રોડ પર નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને લીધા અડફેટે, લોકોમાં ભારે રોષ
Ahmedabad news: અમદાવાદ શહેરમાં વધુ એકવાર નશાખોર નબીરાએ

Ahmedabad news: અમદાવાદ શહેરમાં વધુ એકવાર નશાખોર નબીરાએ નિર્દોષ લોકોનાં જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પોશ ગણાતા શીલજ-થલતેજ રોડ પર રવિવારની રાત્રે એક કિઆ (Kia) કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી એક કે બે નહીં પરંતુ કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, શીલજ-થલતેજ રોડ પરથી પસાર થઈ રહેલી એક કિઆ કાર અચાનક બેકાબૂ બની હતી અને રસ્તા પર પાર્ક કરેલા તેમજ પસાર થઈ રહેલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી ભયાનક હતી કે વાહનોનો કુરચો બોલી ગયો હતો. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે કારચાલક નશાની હાલતમાં હતો અને તેને કાર પર કોઈ કાબૂ રહ્યો ન હતો.
લોકોના ટોળાં ઉમટ્યાં
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને રોષે ભરાયેલા લોકોએ કારચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને તેને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે જેથી તે નશામાં હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





