વાવ પેટાચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવાર અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું
Vav Assembly ByElection 2024 : વાવ વિધાનસભા પેટાચૂંટણી અંગે આજે

Vav Assembly ByElection 2024 : વાવ વિધાનસભા પેટાચૂંટણી અંગે આજે કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યાં હતા. આ કારોબારી બેઠક બાદ વાવ પેટાચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવાર અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું હતું.
પક્ષ જેને પણ ટિકિટ આપે એને જીતાડજો - ગેનીબેન
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં વાવ વિધાનસભાના મતદારોએ ગરીબ દિકરીને જીતાડી હતી. મારા માટે તમામ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સરખા છે. કોઈ ઉમેદવાર માટે વ્યક્તિગત ભલામણ નહીં કરું, પરંતુ વાવ, સુઈગામ અને ભાભરની જનતા જે કહેશે તેના માટે મોવડી મંડળને ભલામણ કરીશ. મેં આજ સુધી કોઈને નથી કહ્યું કે આ કોઈ વ્યક્તિની મારી ટિકિટ માટે ભલામણ છે. પ્રદેશના આગેવાનો નિરીક્ષકો અને મોવડી મંડળ જે નિર્ણય કરશે કે માન્ય રહેશે.
ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને કહ્યું પક્ષ જેને પણ ટિકિટ આપે તેને જીતાડજો. કોંગ્રેસ પક્ષ જેને ટિકિટ આપે તેને માન્ય રાખજો કોઈ નારાજ ન થતા. ભાજપ ઉમેદવાર મુકશે પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં હોય તેની પાસે કોઈ ઓથોરિટી નહીં હોય. ભાજપવાળા ઉમેદવારને પાણી પણ પીવું હોય તો પૂછીને પીવું પડશે. 24 ઓક્ટોબરે જે પણ ઉમેદવાર મુકશે તે 24 તારીખે સુઈગામ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરશે. ગેનીબેને 24 ઓક્ટોબરે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભરવા માટે વાવ, ભાભર અને સુઈગામની જનતાને આહવાન કર્યું હતું.






