સુરતમાં મધર્સ ડે ના દિવસે 11 માતાઓનું “શ્રી સુપર મોમ” એવોર્ડ આપીને સન્માન કરાયુ
12 ની મેને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે દરેક માતાઓને સન્માન આ દિવસે થતું હોય છે.

12 ની મેને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે દરેક માતાઓને સન્માન આ દિવસે થતું હોય છે. ત્યારે સુરતના ઉગત ચાર રસ્તા પાલનપુર ગામ ખાતે આવેલી શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે શહેરની અલગ અલગ ક્ષેત્રની 11 માતાઓને “શ્રી સુપર મોમ” સન્માનિત કરવામાં આવી હતી. આ તબક્કે સન્માનિત થનારી મહિલાઓએ કહ્યું કે, આ માત્ર અમારું સન્માન નથી. પરંતુ દેશ દુનિયાની તમામ માતાઓનું આ ખરું સન્માન છે.
11 માતાઓનું સન્માન
ડો. પારૂલ વડગામા અને જગદીશ પુરોહિતનાં હસ્તે એનાયત થયેલા આ એવોર્ડ શહેરનાં ફેશન ડિઝાઇનર સંગીતા ચોક્સી, લેખક પ્રજ્ઞા વશી, HIV AIDS ગ્રસ્ત દિકરીઓની માતા ગણાતા દક્ષાબોન પટેલ, ડી.આઇ.ડી ફેમ સુપર મોમ શ્રદ્ધા શાહ, સંતાનોની જિંદગીનાં બેક સ્ટેજ સુપર આર્ટીસ્ટ ભાવના દેસાઇ, પત્રકાર પારૂલ મહાડિક, ભાષા વાઘાણીનાં મમ્મી રાજેશ્રી વાઘાણી, સમાજને ઉત્કૃષ્ટ ડોક્ટરરૂપી સંતાનોનાં પ્રદાન બદલ પ્રેમિલાબેન ખાખલા, દીકરીઓનાં લગ્નની જવાબદારી લેનાર વિલાસબેન સખિયાને અર્પણ કરાયા.
માતૃત્વ ધારણ કરનારનું સન્માન
શ્રી વિકલ્પ હોસ્પિટલના ડોક્ટર પારુલ પટેલે કહ્યું કે, હું ગાયનેક તરીકેની પ્રેક્ટિસ કરું છું. ત્યારે મારી પાસે ઘણી બધી મહિલાઓ એવી પણ આવતી હોય છે. જેમને માતા બનવું હોય છે. પરંતુ માતૃત્વ ધારણ કરી શકતા નથી. ત્યારે એ મહિલાઓની પીડા પણ હું જાણું છું.જ્યારે આ માતાઓને સન્માનિત કરવાનો વિચાર આવ્યો અને આ વિચારને મૂર્તિમંત સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આમ તો દરેક માતાઓનું સન્માન થવું જ જોઈએ. પરંતુ આજના દિવસે અમે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી 11 જેટલી માતાઓને સન્માનિત કરી છે. આ સન્માનિત કરવાના કાર્યક્રમથી અમે ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ.
મહિલાએ એક સાથે અનેક જવાબદારી નિભાવે છે
સન્માન સ્વીકારનારે ફેશન ડિઝાઈનર સંગીતા ચોકસીએ કહ્યું કે, આજે આ અનોખો કાર્યક્રમ યોજાયો છે. મહિલા દરેક ક્ષેત્રમાં એક સાથે અનેક જવાબદારી નિભાવે છે. ત્યારે કદાચ પહેલી વાર માતૃત્વ ધારણ કરનારી તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે. માત્ર ફેશન ડિઝાઈનર નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં જેમ કે ડાન્સ, તબીબી સેવા, સમાજ સેવા સહિતના તમામ વ્યવસાયોમાં કામ કરી રહેલી મહિલાઓનું આ સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે અમારા સન્માન કરનાર તમામનો અને હૃદયથી આભાર માનીએ છીએ.








