મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માતૃત્વનું ઉત્તમ ઉદાહરણ, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દાઝી ગયેલા બાળકને માતાએ ચામડીનું દાન આપ્યું

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનાએ અનેક લોકોના જીવનમાં અંધારપટ લાવી દીધો હતો. એક તરફ

માતૃત્વનું ઉત્તમ ઉદાહરણ, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દાઝી ગયેલા બાળકને માતાએ ચામડીનું દાન આપ્યું

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનાએ અનેક લોકોના જીવનમાં અંધારપટ લાવી દીધો હતો. એક તરફ પ્લેન ક્રેશમાં 250થી વધુ લોકોના જીવ હોમાઈ ગયા તો બીજી તરફ માનવતા અને મેડિકલની ક્રાંતિનો પણ લોકોને અનુભવ થયો છે. 

માતાએ પહેલાં આગથી જીવ બચાવ્યો ત્યારબાદ ચામડીનું દાન આપી પોતાના સંતાનને નવજીવન આપ્યું 

એર ઈન્ડિયાનું પ્લેન બી.જે. મેડિકલ હોસ્ટેલની છત ઉપર પડ્યું હતું. તેમાં યુરોલોજીના રેસિડેન્ટ ડૉક્ટર કપિલ કાછડિયા પરિવાર સાથે રહેતા હતા. દુર્ઘટના સમયે ડૉ. કપિલના પત્ની મનિષાબેન અને તેમનો આઠ મહિનાનો પુત્ર ઘરમાં હાજર હતા. પ્લેન ક્રેશ થતાં જ તેમનું ઘર પણ ભડકે બળવા લાગ્યું હતું. આ દરમિયાન મનિષાબેને ક્ષણભરનો વિચાર કર્યા વગર દોડીને પોતાના આઠ મહિનાના બાળકને આગની જ્વાળાઓથી બચાવ્યું અને બહાર કાઢ્યું.

માતાના સ્નેહ અને હિંમત છતાં આ દુર્ઘટનામાં મનિષાબેનને 25 ટકા જ્યારે બાળકને 36 ટકા બર્ન ઈન્જરી થઈ હતી. બંનેને સારવાર માટે કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મનિષાબેનના દીકરાને થોડી વધારે ગંભીર ઈજા હતી. છાતીમાં પણ હેમોથોરેક્સ હતું. તેના કારણે તેની સારવાર થોડી વધારે ગંભીર હતી. તેને તાત્કાલિક પીડિયાટ્રિક ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યું. અહીંયા જાણીતા પિડિયાટ્રિક અને નિયોનેટાલોજિસ્ટ ડૉ. સ્નેહલ પટેલ, પ્લાસ્ટિક સર્જન ઋત્વિજ પરીખની મહેનત થકી બાળકને બચાવવાના પ્રયાસ શરુ કરાયા હતા. આગના કારણે બાળકના શરીરની ચામડી સાવ બળી ગઈ હતી. તેના માટે સ્કીન ગ્રાફ્ટિંગ સર્જરી કરવી પડે તેમ હતી. મનિષાબેને પોતાની જાતનો વિચાર કર્યા વગર ચામડીનું દાન કર્યુ અને પોતાના સંતાનનો જીવ બચાવ્યો.

ઉલ્લેખનીય છે કે, બીજી તરફ મનિષાબેનને પણ 25 ટકા બર્ન ઈન્જરી હતી, તેમની પણ ડૉ. તુષાર પટેલ, ડૉ માનસી દંડનાઈક અને ડૉ.ઋત્વિજ પરીખના નેતૃત્વમાં સ્કીન ગ્રાફ્ટિંગ સર્જરી કરવામાં આવી. તેમની પણ જિંદગી બચાવી લેવાઈ. ખાસ વાત એ છે કે, સતત પાંચ સપ્તાહ સુધી નિષ્ણાત તબીબોની કુશળતા, તાલીમબદ્ધ, સ્ટાફ દ્વારા કાળજીસભર સારસંભાળને કારણે માતા અને પુત્ર સ્વસ્થ થઈ ગયા. 

'કેડી હોસ્પિટલના એમડી ડૉ.અદિત દેસાઈએ જણાવ્યું કે, 'આ ખરેખર એક હ્રદયને સ્પર્શી જતી ઘટના હતી. એક માતાનું અસાધારણ સાહસ અને અમારી નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સંકલિત સારવારે જીવન બચાવવાનો ચમત્કાર સર્જ્યો છે.' 

આ સમાચાર શેર કરો