Video/ સોશિયલ મીડિયાની લાઇક્સ માટે યુવકો બન્યા બેફામ, Morbi નેશનલ હાઇવે પર જોખમી સ્ટંટ
યુવાનોમાં સોશિયલ મીડિયા પર 'વ્યૂ' મેળવવાની ઘેલછા કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો વધુ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે. મોરબીના નેશનલ હાઇવે પર કેટલાક યુવકો જીવના જોખમે બાઇક સ્ટંટ કરતા હોય તેવો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
હાઇવે પર જોખમી સ્ટંટ
વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એકસાથે ત્રણ બાઇક પર સવાર યુવકો નેશનલ હાઇવે જેવા વ્યસ્ત માર્ગ પર અત્યંત જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આ યુવકો પોતાના કે અન્ય લોકોના જીવની પરવા કર્યા વગર, બેફામ ગતિએ બાઇક ચલાવી, વિચિત્ર કરતબો કરી રહ્યા છે.
આ પ્રકારના જોખમી સ્ટંટ માત્ર સ્ટંટ કરનાર યુવકો માટે જ નહીં, પરંતુ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. સહેજ પણ ચૂક થાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે.
વ્યુઝ માટે જીવનું જોખમ
આ યુવકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ લાઇક્સ અને 'વ્યૂઝ' મેળવવાના ઇરાદાથી આ જોખમી વીડિયો શૂટ કરી રહ્યા હતા. યુવાનોમાં ટૂંકા રસ્તે લોકપ્રિયતા મેળવવા માટે આવા બેજવાબદાર કૃત્યોનું પ્રમાણ વધી રહ્યું છે, જે કાયદો અને વ્યવસ્થા તથા માર્ગ સલામતી માટે મોટો પડકાર છે.

