હવે પૂરની સ્થિતિમાં રેલવે ટ્રેકનું ધોવાણ નહીં થાય, માળિયા મિયાણા નજીક એક જ બ્લોકમાં 3 રેલવે પુલનું નિર્માણ

ચોમાસામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં કચ્છ-સૌરાષ્ટ્ર તરફ જતી મુસાફર અને માલગાડીઓનું સંચાલન ખોરવાય નહીં તે માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મોરબી જિલ્લાના માળિયા મિયાણા રેલવે યાર્ડ અને આસપાસના વિસ્તારમાં મોટું માળખાકીય સુધારણા કાર્ય પૂર્ણ કરાયું છે. વિરમગામ-સામખિયાળી મુખ્ય રેલખંડના માળિયા મિયાણા-વાધરવા સેક્શનમાં રેલવેએ એક જ બ્લોક દરમિયાન 500-500 ટન ક્ષમતાવાળી ત્રણ ક્રેન (કુલ 1500 ટન ક્ષમતા)ની મદદથી એકસાથે ત્રણ નવા રેલવે પુલનું નિર્માણ કર્યું છે.
એક જ બ્લોકમાં ત્રણ પુલ અને પાંચ નવી ડ્રેનેજ ઓપનિંગ
વિરમગામ-સામખિયાળી રેલખંડ પર વાધરવા-માળિયા મિયાણા સેક્શનમાં કિલોમીટર 699/16 થી 699/24 વચ્ચે પુલ નંબર 147/D, 147/E અને 147/F પર આ ત્રણ નવા જળ નિકાસી માળખા તૈયાર કરાયા છે. આ ઉપરાંત લેવલ ક્રોસિંગ નંબર 95 અને 97 પાસે પણ એક-એક ડ્રેનેજ સ્ટ્રક્ચર બનાવાતા આ સેક્શનમાં કુલ પાંચ નવી ઓપનિંગ તૈયાર થઈ છે. આ કામગીરીથી પૂરનું પાણી પાટા પરથી વહેવાને બદલે નીચેથી સરળતાથી નીકળી જશે, જેથી પાટા નીચેની માટીનું ધોવાણ અટકશે.
પૂર સામે રક્ષણ: 3.7 કિમી સુરક્ષા દીવાલ અને 12 નવા નાળા
અમદાવાદ મંડળ દ્વારા અંદાજે સાત કિલોમીટર લાંબા સંવેદનશીલ રેલખંડને સુરક્ષિત કરવા નીચે મુજબની કામગીરી કરાઈ છે.
3.7 કિમી સુરક્ષા દીવાલ: પૂરના તેજ પ્રવાહ સામે રેલવે પાટાના પાળા (તટબંધ) નું ધોવાણ રોકવા 3.7 કિલોમીટર લાંબી સુરક્ષા દીવાલ બનાવાઈ છે.
12 જળ નિકાસી સ્ટ્રક્ચર: વાધરવા-માળિયા મિયાણા સેક્શનમાં 5, માળિયા મિયાણા-દહીંસરા સેક્શનમાં 5 અને માળિયા મિયાણા-સુરબારી સેક્શનમાં 1 મળી કુલ 12 નવી ડ્રેનેજ ઓપનિંગ વિકસાવાઈ છે.
બોક્સ બ્રિજનું નિર્માણ: માળિયા મિયાણા યાર્ડના અમદાવાદ છેડે પુલ નંબર 155 પર અગાઉ 600 મિમી વ્યાસના ત્રણ પાઈપ હતા, જે પૂરના પાણીના નિકાલ માટે અપૂરતા હતા. ત્યાં અપ લાઈન, ગુડ્સ લાઈન અને ટ્રેક મશીન સાઈડિંગ નીચે જૂના પાઈપ પુલને બદલે નવો બોક્સ બ્રિજ બનાવાયો છે.
અગાઉ પૂરમાં પાટા નીચેની માટી ધોવાઈ જતા વ્યવહાર ખોરવાયો હતો
ભૌગોલિક રીતે માળિયા-મિયાણા વિસ્તાર પૂર પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને મચ્છુ-2 તથા મચ્છુ-3 ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે અહીં પાણીનો ભરાવો થાય છે. વર્ષ 1979, 2017 અને ઓગસ્ટ 2024માં આવેલા પૂરમાં સામખિયાળી-માળિયા મિયાણા, ધ્રાંગધ્રા અને વાંકાનેર રેલખંડ પર પાટા નીચેની માટી ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. કંડલા અને મુન્દ્રા બંદરોને દેશના અન્ય ભાગો સાથે જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી માલપરિવહનને પણ મોટી અસર થતી હતી, જે હવે આ નવા માળખાથી સુરક્ષિત બનશે. આ ઉપરાંત, ચોમાસાની કટોકટીને પહોંચી વળવા ક્વોરી ડસ્ટ, બોલ્ડર અને બેલાસ્ટનો વિશેષ રિઝર્વ જથ્થો પણ તૈયાર રખાયો છે.
અમદાવાદના મંડળ રેલ પ્રબંધકે(DRM)જણાવ્યું કે, “અમારો ઉદ્દેશ્ય માત્ર પૂરથી થયેલા નુકસાનનું સમારકામ કરવાનો નથી, પરંતુ ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને એવું મજબૂત રેલ માળખું વિકસાવવાનો છે કે જેથી પ્રતિકૂળ હવામાનમાં પણ મુસાફર અને માલપરિવહન સુરક્ષિત અને વિશ્વસનીય બની રહે.”











