Morbi/ સિરામિક ઉદ્યોગમાં ભૂકંપ: 6 પેઢીઓ સાથે ₹1.62 કરોડનું ડિજિટલ કૌભાંડ!

સિરામિક સિટી તરીકે જાણીતા મોરબીમાં ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને નિશાન બનાવી સાયબર ગુનેગારોએ એક નવો અને ચોંકાવનારો કીમિયો અજમાવ્યો છે. મોરબીની છ જાણીતી સિરામિક પેઢીઓ સાથે છેતરપિંડી આચરી કુલ ₹1.62 કરોડ ની કિંમતના સરકારી કૂપન ટ્રાન્સફર કરી લેવામાં આવતા ઉદ્યોગજગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું છે આ નવો કીમિયો?
વિદેશ વ્યાપાર કરતા નિકાસકારોને ભારત સરકાર દ્વારા ICEGATE (આઇસગેટ) પોર્ટલ મારફતે RoDTEP (Remission of Duties and Taxes on Export Products) સ્કીમ અંતર્ગત કૂપન આપવામાં આવે છે. આ કૂપન વિદેશી વ્યાપારની રકમ મુજબ મળતા હોય છે જે આર્થિક રીતે નિકાસકારો માટે ફાયદાકારક હોય છે. સાયબર ઠગ ટોળકીએ આ જ કૂપનને પોતાનો ટાર્ગેટ બનાવ્યા હતા.
કૌભાંડ આચરવાની રીત (Modus Operandi)
અજાણ્યા ઇસમોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ આચર્યું છે. પેઢીઓના નામના બોગસ ઇમેઇલ એકાઉન્ટ બનાવ્યા. ખોટા દસ્તાવેજો અને બોગસ ડિજિટલ સિગ્નેચર (DSC) નો ઉપયોગ કર્યો. આઇસગેટ પોર્ટલ પર બોગસ રજિસ્ટ્રેશન કરાવી પેઢીઓના હકના કરોડોના કૂપન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા.
સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ઉદ્યોગપતિઓએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, બોગસ મેઈલ આઈડીનો ઉપયોગ કરવા અને ડિજિટલ સિગ્નેચર સાથે ચેડાં કરવા બદલ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

