AHMEDABAD : નિકોલમાં સામાન્ય બાબતમાં મારામારીની ઘટના, ઈજાગ્રસ્ત આધેડનું મોત
Ahmedabad News : અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં મારામ

Ahmedabad News : અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં મારામારીની ઘટના બની હતી. મારામારીની આ ઘટના દરમિયાન એક આધેડને મૂઢમાર મારવામાં આવતા ઈજાઓ પહોંચતા મોત થયું છે. જેથી નિકોલ પોલીસે મારામારીની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
નિકોલમાં આવેલા પોલારીસ આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન કંડોરા દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. 22 સપ્ટેમ્બરના રોજ રાતના સમયે તેઓના ફ્લેટમાં રહેતા વિકી તિવારીએ ફોન કરી પોતે UPનો ભાઈ છે અને તારા જેવા કેટલાય વકીલો મારા નીચે ફરે છે તેવી વાત કરી ગાળાગાળી કરી અને ફરિયાદીની સ્કોર્પિયો કાર પાસે એમને બોલાવ્યા હતા.
ફરિયાદી ત્યાં પહોંચતા વિકી તિવારી, પિયુષ તિવારી, મોન્ટુ શુક્લા, રાજન તિવારી અને બ્રિજેશ તિવારી સહિત અન્ય ચારથી પાંચ વ્યક્તિઓએ ઝપાઝપી કરી હતી. જે દરમિયાન ફરિયાદીની બહેન, મામા અને માતાપિતા આવી બચાવવા વચ્ચે પડ્યા હતા. આ સમયે મારામારી દરમિયાન ફરિયાદીના પિતા પ્રભાસ કંડેરા નીચે પડી ગયા અને આરોપીઓએ તેમને લાતો મારી હતી. તેઓ બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફરિયાદીના પિતાને મૃત જાહેર કર્યા હતા.
આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવતા તેઓને શરીરમાં અંદરના ભાગે ઈજાઓ થવાથી મોત થયું હોવાનું ખુલતા નિકોલ પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.






