VIDEO: ઊંઝામાં GETCOની વીજલાઈન સામે ખેડૂતોનું બ્યૂગલ: "AC ચેમ્બરમાં બેસી નકશા બનાવ્યા" હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ
VIDEO: મહેસાણા જિલ્લાના વેપારી મથક ઊંઝામાં ખેડૂતો અને તંત્ર વચ્ચે વીજલાઈન મુદ્દે ગજગ્રાહ તેજ બન્યો છે. ઊંઝા-કરલી 66 KV નવી વીજલાઈન નાખવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ લાલઆંખ કરી છે. ખેડૂતોનો આરોપ છે કે GETCO ના અધિકારીઓએ જમીન પરની વાસ્તવિકતા તપાસ્યા વિના માત્ર કાગળ પર જ આયોજન કરી દીધું છે, જે ભવિષ્યમાં લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
"AC ચેમ્બરમાં બેસી સર્વે કર્યો" - ખેડૂતોનો ગંભીર આક્ષેપ
'ઊંઝા ખેડૂત હિતરક્ષક સમિતિ' દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક અગ્રણી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, "GETCO ના એન્જિનિયરોએ ભૌગોલિક સ્થિતિનો કોઈ અભ્યાસ કર્યો નથી. અધિકારીઓએ માત્ર AC ચેમ્બરમાં બેસીને લે-આઉટ તૈયાર કરી દીધો છે. આ વીજલાઈન જે વિસ્તારમાંથી પસાર થવાની છે, ત્યાં ટીપી સ્કીમ નંબર 10 અને 11 લાગુ પડે છે અને આ સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે."
રિંગ રોડ અથવા અંડરગ્રાઉન્ડ લાઈનની માંગ
ખેડૂતોની મુખ્ય ભીતિ એ છે કે જો આ હાઈટેન્શન લાઈન રહેણાંક વિસ્તારમાંથી પસાર થશે, તો ભવિષ્યમાં બાંધકામ અને સુરક્ષા માટે મોટી આડચણ ઊભી થશે. ખેડૂતોએ માંગ કરી છે કે: વીજલાઈનને રહેણાંક વિસ્તારને બદલે 60 મીટરના રિંગ રોડ પર ખસેડવામાં આવે. અથવા આખી લાઈનને અંડરગ્રાઉન્ડ (કેબલિંગ) કરવામાં આવે જેથી જમીનનો વપરાશ અવરોધાય નહીં.ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની તૈયારી
જો તંત્ર દ્વારા આ બાબતે સકારાત્મક અને ન્યાયિક નિર્ણય લેવામાં નહીં આવે, તો અસરગ્રસ્ત ખેડૂતોએ આગામી દિવસોમાં 'ગાંધી ચીંધ્યા માર્ગે' ઉપવાસ આંદોલન પર ઉતરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને યોગ્ય ઉકેલની માંગ કરવામાં આવી હતી

