મોઢેરા ચાર રસ્તા નજીક યુવકની હત્યા કરનાર બે આરોપીઓ પકડાયા, જાણો આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા બસ ડેપો નજીક ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવા મુદ્દે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી માથાકૂટની અદાવતમાં સાબીર હુસેન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરીને મજિદ ખાન અને સૈયદ સાકીર હુસેન નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી માજીદ ખાન ભૂતકાળમાં મહેસાણા, વિજાપુર અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં 5 થી 6 ગુનાઓમાં સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી ઘટના?
મહેસાણાના મોઢેરા એસટી બસ પોર્ટ બહાર ઇકો કારમાં પેસેન્જર બેસાડવાના મામલે બે જૂથના ડ્રાઇવરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. બંને પક્ષના ઈસમોએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં સાબિરહુસેન નામના ઈસમને છરીના ઘા વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત થયું હતું. જ્યારે સામસામે થયેલા હુમલામાં અન્ય બે ઈસમો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં માજીદ નામના ઈસમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં બંને પક્ષના લોકોના ટોળેટોળા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે મહેસાણા B ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

