Mehsana: મોઢેરા રોડ વિવાદ હવે હાઇકોર્ટમાં; આઇકોનિક રોડની કામગીરીમાં ભેદભાવના આક્ષેપ સાથે PIL દાખલ
મહેસાણામાં મોઢેરા રોડને 'આઇકોનિક રોડ' બનાવવાની કામગીરી હવે કાયદાકીય વિવાદમાં સપડાઈ છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીમાં 'ભેદભાવ' રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક અગ્રણીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોઢેરા રોડને શહેરનો નમૂનેદાર 'આઇકોનિક રોડ' બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની મધ્યમાંથી બંને તરફ 80-80 ફૂટ જગ્યા ખુલ્લી કરી રસ્તો પહોળો કરવાનો હતો. આ કામગીરી શરૂ કરતા પહેલા પાલિકાએ મોટા પાયે દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે રોડની મધ્યથી બંને તરફ 80 ફૂટ જગ્યા ખુલ્લી કરવાના નિયમનું પાલન કર્યા વિના જ દબાણો દૂર કરવામાં આવ્યા છે. એકસરખી કાર્યવાહી કરવાને બદલે પક્ષપાત કરી અધૂરા દબાણો સાથે રોડનું કામ શરૂ કરી દેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, જે બાદ જ આઇકોનિક રોડનું ભવિષ્ય નક્કી થશે.

