VIDEO: Mehsana / ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની દૂધસાગર ડેરી પર માઠી અસર; ગેસ પુરવઠામાં 40% કાપ સાથે બે પ્લાન્ટ બંધ થવાની ભીતિ
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના સહકારી માળખા સુધી પહોંચી છે. ખાડી દેશોમાં સર્જાયેલી ગેસની શોર્ટેજના કારણે મહેસાણાની પ્રસિદ્ધ દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40% નો મોટો કાપ મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિને કારણે ડેરીના મિલ્ક પાવડરના ઉત્પાદન પર ગંભીર અસર પડી છે.
ગેસ સપ્લાયમાં કાપ આવતા દૂધસાગર ડેરીમાં મિલ્ક પાવડરનું ઉત્પાદન જે દરરોજ 200 ટન થતું હતું, તે ઘટીને હવે 150 ટન થઈ જવાનો અંદાજ છે. ગેસની અછત એટલી ગંભીર છે કે ડેરીએ તેના 2 પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ગેસ કાપની વચ્ચે દૂધ પ્રોસેસિંગની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે ડેરી તંત્ર હરકતમાં આવ્યું છે. દૂધ પ્રોસેસિંગની કામગીરીને યથાવત્ રાખવા માટે ડેરીએ ફર્નેસ ઓઈલ અને સોલિડ ફ્યુઅલ (ઘન બળતણ) આધારિત બોઈલરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી દૂધના સંગ્રહ અને પ્રોસેસિંગમાં કોઈ મુશ્કેલી ન સર્જાય.
આ ગંભીર કટોકટી વચ્ચે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પશુપાલકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ જ લેવામાં આવશે.

