VIDEO: કડીમાં ૮ ઇંચ વરસાદથી જલબંબાકાર ગટરોમાંથી પ્લાસ્ટિક નીકળતા પાલિકા પ્રમુખે કરી અપીલ
મહેસાણા જિલ્લાના કડીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર પંથક ૮ ઇંચ જેટલા ભારે વરસાદથી તરબતર થઈ ગયો છે. ભારે વરસાદના કારણે કડીના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે કડી નગરપાલિકાના પ્રમુખ રાજુ ગજ્જરનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કડીના કરણનગર રોડ પર વર્ષોથી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા છે, જેના કાયમી ઉકેલ માટે પાલિકા તંત્ર ગઈકાલ રાતથી જ સતત પાણી નિકાલની કામગીરીમાં જોતરાયેલું છે. જોકે, નિકાલની કામગીરી દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગટરોની સફાઈ કરતી વખતે તેમાંથી સૌથી વધુ માત્રામાં પ્લાસ્ટિક અને કચરો નીકળી રહ્યો છે, જે પાણીના વહેણને રોકે છે. પાલિકા પ્રમુખે કડીના સ્થાનિક નાગરિકો અને વેપારીઓને નમ્ર વિનંતી કરી છે કે, તેઓ ગટરોમાં પ્લાસ્ટિક કચરો ન ફેંકે અને કચરાનો સમયસર તેમજ યોગ્ય જગ્યાએ નિકાલ કરી તંત્રને સહયોગ આપે.

