વર્ષોથી ન જીતાયેલી દાણીલીમડા અને વડગામ વિધાનસભા જીતવા ભાજપનો હુંકાર...!

ગાંધીનગરમાં પ્રદેશ ભાજપના કમલમ ખાતે SC મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ SC મોરચાના પ્રમુખ અને પૂર્વ સાંસદ કિરીટ સોલંકીએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. કિરીટ સોલંકીએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપ રાજ્યની તમામ 13 અનામત વિધાનસભા બેઠકો જીતશે. ખાસ કરીને વર્ષોથી કોંગ્રેસના કબજામાં રહેલી અમદાવાદની દાણીલીમડા અને બનાસકાંઠાની વડગામ બેઠક જીતવા ભાજપે અત્યારથી જ કવાયત શરૂ કરી છે. આ બંને બેઠકો પર કોંગ્રેસ પાતળી સરસાઈથી જીતતી હોવાનો ઉલ્લેખ કરતાં કિરીટ સોલંકીએ કહ્યું કે, સંગઠનના કાર્યકરો યોગ્ય આયોજન અને મહેનત કરે તો આ બેઠકો પર પણ ભાજપને સફળતા મળી શકે છે. SC મોરચાની બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારીઓ, સંગઠન મજબૂત કરવા અને હોદ્દેદારોને વિવિધ બેઠકોની જવાબદારી સોંપવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત