VIDEO: Mehsana / કરોડોની જમીન પર કબજો મેળવવા કોંગ્રેસ સેવા દળ સહિત 3 પક્ષકારો આમને-સામને
મહેસાણા જિલ્લાના વિસનગર પાસે આવેલા કમાણા ચાર રસ્તા નજીકની કરોડોની કિંમતની જમીન પર માલિકી હકને લઈને સર્જાયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જમીન પર સફાઈ કરવા પહોંચતા સ્થિતિ તંગ બની હતી. ત્રણ મોટા પક્ષકારો વચ્ચેના આ જંગમાં પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવો પડ્યો હતો.
વિસનગરના કમાણા ચાર રસ્તા પાસેની આ મોંઘીદાટ જમીન પર હાલ મુખ્ય ત્રણ પક્ષકારો પોતાનો દાવો કરી રહ્યા છે, જેને કારણે વર્ષોથી આ મામલો કોર્ટના દ્વારે છે. કોંગ્રેસ સેવા દળનો દાવો છે કે આ જમીન મૂળભૂત રીતે તેમની માલિકીની છે અને તેના દસ્તાવેજી પુરાવા તેમની પાસે છે. તો અખિલ આંજણા કેળવણી મંડળનો દાવો છે કે તેઓ આ જમીન પર લાંબા સમયથી ભાડુઆત તરીકે હક ધરાવે છે. આ ઉપરાંત પ્રકાશભાઈ પટેલ (એસ.કે. કોલેજના ચેરમેન) મૂળ માલિકના વારસદાર તરીકે આ જમીન પર પોતાનો હક હોવાનું જણાવી રહ્યા છે.
કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આ જમીન પર પહોંચ્યા હતા અને સફાઈ કામગીરી શરૂ કરી હતી. કોંગ્રેસનું કહેવું છે કે આ જમીન પક્ષની છે અને તેઓ તેનો કબજો સંભાળી રહ્યા છે. જોકે, અન્ય પક્ષકારોના વિરોધ અને જમીન વિવાદિત હોવાને કારણે સ્થળ પર ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ વિસનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જમીનનો કેસ કોર્ટમાં ચાલતો હોવાથી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુથી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી. ભારે સમજાવટ બાદ કાર્યકરો ત્યાંથી ખસી ગયા હતા, પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

