Video: amc ફૂડ વિભાગની લાલ આંખ: દિવાળી પહેલાં સઘન ચેકિંગ અને સીલિંગની કાર્યવાહી

. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે સકંજો કસ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો, ડેરીઓ અને ફરાસણના એકમો પર તપાસ હાથ ધરી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 200૬ હેઠળ કુલ ૨૩ જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ નિયમો મુજબ કસૂરવાર એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાહકો પોતે પણ ખાદ્ય પદાર્થોની પ્રાથમિક ગુણવત્તા ચકાસી શકે તે માટે મીઠાઈ અને ફરાસણના એકમોમાં ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ રાખવાની બાબતે પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં ગ્રાહકો માટે ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ ન રાખનાર કુલ ૦૪ એકમો પાસેથી રૂ. ૪૦,૦૦૦/- નો મ્યુનિસિપલ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આ સઘન ચેકિંગ દરમિયાન નારણપુરાની ભજીયા પકોડા નામની દુકાનમાં ખાદ્ય પદાર્થો તળવા માટે વપરાતા તેલનું TPC ટેસ્ટિંગ કરતાં તેનું પ્રમાણ ૨૭.૫ જણાયું હતું, જે જાહેર આરોગ્ય માટે જોખમી હોવાથી તત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. તેમજ વટવાના ભારત ફૂડ નામના એકમમાંથી અગાઉ લીધેલા ૩ સોસાના નમૂનાઓ ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં અપપ્રમાણિત જાહેર થતા તેને પણ સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. હેલ્થ ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે દિવાળીના તહેવારો તેમજ ત્યારબાદ પણ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે નોટિસ, દંડ અને સીલ સુધીની કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.







