મેઘ કહેર: મહેસાણામાં સાડા સાત ઈંચ વરસાદથી જળબંબાકાર, અમદાવાદ-ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મહેસાણામાં વરસ્યો છે, અંદાજીત સાડા સાત ઈંચ વરસાત વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના 17 તાલુકામાં 4થી 7.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, ભરૂચમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 80 તાલુકામાં એક ઈંચથી બે ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ( 30મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
પાટણમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં આજે (30મી જુલાઈ) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. સરસ્વતીમાં 3.6 ઈંચ, પાટણમાં 3 ઈંચ, લાખણીમાં 2 ઈંચ, ખંભાળિયામાં 2 ઈંચ, સાતંલપુરમાં 1.6 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, ભચાઉમાં 1.5 ઈંચ, માંડવી(કચ્છ)માં 1.4 ઈંચ, બહુચરાજીમાં અને ઉમરગામમાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે.
મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ
સાંબરકાંઠાના તલોદના આંત્રોલી નજીક પસાર થતી મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ હતી. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈ નદીમાં પાણીની આવકમાં વધારો થયો હતો.વરસાદી પાણી ફરી વળતા આંત્રોલી અને રામપુર ગામ વચ્ચે આવનજાવન બંધ થયું હતું, જેના પગલે વાહનચાલકો અટવાયા હતા.
સુરેન્દ્રનગર જીલ્લાના 9 તાલુકામાં વરસાદ
સુરેન્દ્રનગર જીલ્લાના 9 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાટડીમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે લખતર, ધ્રાંગધ્રા, વઢવાણ, ચુડા, લીંબડીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ધીમીધારે પડેલા વરસાદના કારણે ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકોના વાવેતરને ફાયદો થયો છે.
કચ્છના માંડવી, અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ
કચ્છના અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અબડાસાના નલિયા ,કોઠારા ,વરાળિયા,તેરામાં ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદને કારણે સંખ્યાબંધ સ્થળ પર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. કચ્છના માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી.








