Video: નવરાત્રિના અંતિમ દિવસે શક્તિપીઠોમાં ભક્તોનું મહેરામણ, સોસાયટીઓમાં નવચંડી યજ્ઞ સાથે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ

નવલા નોરતાનો આજે અંતિમ દિવસ છે. આસો સુદ નોમના પવિત્ર અવસરે રાજ્યભરના સુપ્રસિદ્ધ શક્તિપીઠો પર વહેલી સવારથી જ મા અંબાના દર્શનાર્થે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવ દિવસ સુધી ચાલેલા વિશેષ અનુષ્ઠાનના આજે અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા વિધિવત જવારાની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. આ સિવાય વિવિધ સોસાયટીઓ અને ધાર્મિક સ્થળો પર ભાવિકો દ્વારા નવચંડી યજ્ઞના ભવ્ય આયોજનો કરાયા છે, જેમાં હોમ-હવન સાથે માતાજીના જાપ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, નવરાત્રિના આ આખરી દિવસે ગરબાપ્રેમીઓ અને ખેલૈયાઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાત્રે મન મૂકીને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ આખરી રાસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.




