મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નબળા ચોમાસાની આગાહીઓ વચ્ચે સોરઠમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, માંગરોળમાં 23 ઈંચ સાથે સમગ્ર પંથકમાં જળબંબાકાર, જનજીવન પ્રભાવિત

ગુજરાતમાં નબળા ચોમાસાના પૂર્વાનુમા

ગુજરાતમાં નબળા ચોમાસાના પૂર્વાનુમાનો, લો પ્રેસર જેવી સીસ્ટમનો અભાવ વચ્ચે મેઘરાજાએ આ ધરતી ઉપર ધોધમાર હેત વરસાવ્યું છે. ગુજરાત સુધી ભારે વરસાદ લાવે તેવા ઓફ શોર ટ્રફ તેમજ અરબી સમુદ્રમાં ઘટાટોપ વાદળોની ભારે જમાવટ સહિત ભારે વરસાદના સાનુકૂળ સંજોગો સર્જાતા સતત બીજા દિવસે સોરઠના એ જ વિસ્તારમાં અતિશય ભારે વરસાદ તૂટી પડયો હતો. માંગરોળમાં ગત રાત્રિ સુધીમાં અધધ 23 ઈંચ વરસાદ નોંધાાયો છે જેમાં સાંજે 6થી 8 બે કલાકમાં જ 8 ઈંચથી વધુ પાણી વરસી ગયુ હતું. જુનાગઢ જિલ્લામાં આ ઉપરાંત માળિયા હાટીનામાં વધુ 15 ઈંચ અને કેશોદમાં વધુ 13 ઈંચ વરસાદથી સમગ્ર સોરઠ પંથકમાં જ્યાં જમીન ત્યાં પાણી પાણી થઈ ગયું હતું. સોરઠની સાથે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વલસાડ, નવસારી સહિત જિલ્લામાં પણ ધોધમાર 4થી 13 ઈંચ વરસાદ સાથે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતા ખેતીવાડીને જીવનદાન મળ્યું છે.

રાજ્યમાં સાંજ સુધીમાં 156થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં 9 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, 27 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હજુ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર,સોમનાથ, જુનાગઢ, અમરેલી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. દરિયો ગાંડોતુર થતા રાજ્યના તમામ બંદરો પાસે 10-12 ફુટ ઉંચા મોઝા ઉછળે છે અને આજે બંદરો પર ભયસુચક સિગ્નલ નં.3 લગાડી દરિયો નહીં ખેચડવા ચેતવણી અપાઈ છે.

વરસાદ જ્યાં વરસ્યો ત્યાં અતિશય તીવ્ર ગતિએ ધોધ સ્વરૂપે વરસ્યો છે. જેમ કે માંગરોળમાં ૨ કલાકમાં ૮, ૪ કલાકમાં ૬ ઈંચ, એમ માળિયા હાટીનામાં સાંજે ૪ કલાકમાં ૪ ઈંચ, વઘઈમાં સવારે ૧૦થી ૧૨માં બે કલાકમાં ૬ ઈંચ, મેંદરડા અને કેશોદમાં સાંજે ૪થી ૬ના બે કલાકમાં ચાર-ચાર ઈંચ ,ચિખલીમાં સવારે ૨ કલાકમાં ૪ ઈંચ એમ એક સાથે જળવર્ષાથી આ તમામ વિસ્તારોમાં ૩-૪ ફૂટ પાણી ભરાયા હતા, અનેક સ્થળે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાના અહેવાલો મળ્યા છે. જ્યારે એસ.ટી.સહિત વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જુનાગઢમાં  ચાર જિલ્લામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ઉપરાંત  સવારે 6થી રાત્રિના 8 દરમિયાન વંથલીમાં 4 ઈંચ, જુનાગઢ અને માણાવદરમાં ૨.૫૦ ઈંચ, ભેંસાણમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત ,ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાટણ-વેરાવળમાં પણ ગઈકાલે વધુ ૮ ઈંચ વરસાદ સાથે બે દિવસમાં 17 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. સૂત્રાપાડામાં ગઈકાલે વધુ ૪ ઈંચ, જ્યારે તાલાલામાં ૨.૫૦ ઈંચ, કોડીનારમાં વધુ ૨ ઈંચ સહિતસમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડયો છે.સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં સતત સુપડાંધાર વરસાદની સાથે અન્ય જિલ્લામાં રાજકોટના ધોરાજી તાલુકામાં ૬ ઈંચ, જેતપુર અને ઉપલેટામાં ૩ ઈંચ, જામકંડોરણામાં ૧ ઈંચ, વરસાદ નોંધાયો છે. પોરબંદર જિ.ના કુતિયાણામાં ૨ ઈંચ, ભાવનગર જિ.ના વલ્લભીપુર અને પાલીતાણામાં ૧.૫૦ ઈંચ તથા ભાવનગરમાં ૧ ઈંચ વરસાદ સાથે મુખ્ય પાંચ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત મુશળધાર વરસી રહ્યા છે. ગઈકાલે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ૧૩ ઈંચ ઉપરાંત મહુવા, માંગરોળ, માંડવી, બારડોલી તા.માં ૬ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ડાંગ જિલ્લાના વઘઈ અને સુબિરમાં ૧૩થી ૧૪ ઈંચ તથા જિલ્લામાં અન્યત્ર પણ ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાપી જિ.ના દોલવણમાં ૧૨ ઈંચ, વાલોદમાં ૯.૫૦ ઈંચ, વ્યારામાં ૭ ઈંચ જ્યારે, નવસારીના વાંસદા,ચીખલીમાં ૧૦ ઈંચ ,ગણદેવી ૯ અને ખેરગામમાં ૭ ઈંચ, વલસાડ જિલ્લાના વલસાડ અને વાલોદમાં ૮.૫૦ ઈંચ, નાનાપોંધામાં ૪ ઈંચ, ધરમપુર અને પારડી તા.માં ૪ ઈંચ, વાપીમાં ૩ ઈંચ, ભરુચના વાલિયા, હંસોટ,અંકલેશ્વર તાલુકાઓમાં ૨.૫૦થી ૩.૫૦ ઈંચ વરસાદ સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજાએ જળથી તરબતર કરી દીધું છે. રાજ્યમાં આ ઉપરાંત આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, ખેડા, દાહોદ, નર્મદા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અમરેલી,જામનગર વગેરે જિલ્લામાં ઝાપટાંથી માંડીને એક-દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની આ વખતે અલગ પેટર્ન જોવા મળી છે, સાંબેલાધારે ધોધમાર વરસાદ માત્ર સૌરાષ્ટ્રના જુનાગઢ,સોમનાથ ઉપરાંત ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર એ ૬ જિલ્લામાં ભારે વરસાદ બે દિવસથી વરસે છે પરંતુ, બાકીના મોરબી, દ્વારકા, કચ્છ,સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ વરસાદ ઓછો છે. કચ્છમાં તો હજુ ચોમાસુ પણ બેઠું નથી. આ જ રીતે દક્ષિણ ગુજરાતમાં અવિરત અનરાધાર વરસાદ ત્રણ દિવસથી વરસે છે પરંતુ, અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર,મધ્ય ગુજરાતમાં હજુ ભારે વરસાદ નથી. આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આંશિક ભાગ માટે થઈ છે. જો કે આ વરસાદથી રાજ્યના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ૬થી ૭ જિલ્લામાં પાણી,ખેતીવાડીની સ્થિતિમાં બે-ત્રણ દિવસમાં જ નોંધપાત્ર સુધારો થયો છે. રાજ્યમાં આજે કચ્છ,ડીસા સિવાય તમામ સ્થળે તાપમાનનો પારો વધુ નીચે ઉતરીને ૩૫ સે.નીચે પહોંચી જતા ઠંડકનો અનુભવ થયો છે.

આ સમાચાર શેર કરો