VIDEO: સુરેન્દ્રનગરના ચોટીલામાં મેગા ડિમોલીશન, ધર્મશાળા સહિત 400થી વધુ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા, જ
સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા, જ્યાં માં ચામુંડાના દર્શનાર્થે પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યાં આજે વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષોેથી ડુંગરની તળેટી અને હાઈવે સુધીના મુખ્ય માર્ગ પર જમાવાયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી ૪૦૦થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફેરવી દઇ રૂ.૧૦૫ કરોડની ૧૭ એકર સરકારી જમીન ખુલ્લી કરવાઇ હતી. તેમજ નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં ત્રણ માળનું ગેસ્ટ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા દબાણ હટાવી યાત્રાળુઓ માટે રસ્તો મોકળો કરવામાં આવ્યો છે.
પતરાના શેડ તથા સ્ટોલ ઊભા કરીને રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા
ચોટીલા ખાતે ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુ આવેલ અંદાજે ૪૦૦થી ૪૫૦ જેટલા દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ તથા સ્ટોલ ઊભા કરીને રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા. દુકાનદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. જોકે, દબાણ દૂર ન થતાં સવારે ૧૦ કલાકે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઝુંબેશમાં મોજે નાના પાળીયાદ અને ચોટીલાની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા હતા. સરકારી જમીન પર કરેલ દબાણો દૂર કરવામાં આવતા કિંમત રૂ.૧૦૫ કરોડની અંદાજે ૧૭.૦૦ એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ચોટીલાની સરકારી જમીન પર મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં આવેલું ત્રણ માળનું ખાનગી ગેસ્ટ હાઉસ પણ આ કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. જેને લઇ ચોટીલા મહંત પરિવાર દ્વારા આ મામલે વિરોધ કરતા પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો.






