સુરતમાં રત્નકલાકારોના પડતર પ્રશ્નનોને લઈને કલેક્ટર સાથે બેઠક, ઉદ્યોગકારોની CM સાથેની મુલાકાત બાદ તાબડતોબ મિટીંગ
હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે ગતરોજ ગુજ

હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે ગતરોજ ગુજરાત ભરના રત્નકલાકાર યુનિયન દ્વારા મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ તાબડતોબ આજે સુરતમાં કલેક્ટર સાથે ઉદ્યોગકારોની મિટીંગ યોજાઈ હતી. જેમાં રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે.
હોદ્દેદારો સાથે બેઠક
મુખ્યમંત્રીએ રત્નકલાકારોના મુદ્દાને ગંભીરતાથી લેતા આજે ફરીથી જિલ્લા કલેક્ટર દ્વારા ડાયમંડ વર્કર યુનિયનને તેમજ અન્ય હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા હતા. બેઠકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલી થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. બાળકોને શાળાની ફી, બેંકના હપ્તા, ઘરનું ભાડું ભરવામાં ભારે તકલીફ થઈ રહી છે તેમને હાલ આર્થિક સહાયની જરૂરિયાત છે તેના માટે ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તે પ્રકારની વારંવાર માંગણી કરવામાં આવી હતી તે ફરીથી કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી છે.
રજૂઆત સાંભળવામાં આવી-નાવડિયા
સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ કહ્યું કે, અગાઉના રજીસ્ટ્રેશન પ્રમાણે દોઢ લાખ જેટલા કલાકારોને રજીસ્ટ્રેશન નોંધણી કરી હતી. પરંતુ ત્યારબાદ રત્ન કલાકારોએ રીન્યુ કર્યા ન હતા. તેને કારણે ફરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ ન હતી માટે અત્યારે કહી ના શકાય કે કેટલા રત્ન કલાકારો ક્યાં કામ કરી રહ્યા છે. ફેક્ટરી એક્ટનો કાયદો ડાયમંડ ફેક્ટરીમાં લાગુ કરવો શક્ય નથી. કારણ કે અહીં બીજા કંપનીની માફક એમ્પ્લોયને નોકરી આપવામાં આવતી નથી. ડાયમંડ ફેક્ટરીમાં નોકરી ઉપર રાખવાની પદ્ધતિ અલગ છે. ત્યાં કંપની સંચાલક એમ્પ્લોયની પસંદગી કરે છે પરંતુ હીરા ઉદ્યોગમાં સ્થિતી ઉંધી છે અહીં એમ્પ્લોય માલિકને પસંદ કરે છે. રત્ન કલાકાર કોણ છે તે અંગે ફેક્ટરીના માલિક ઘણા વર્ષોથી કામ કરતા હોય તેનું લિસ્ટ આપી શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની શાળાની ફી માફી કરવા માટે જે ફેક્ટરીમાં બાળકના પિતા કામ કરતા હોય ત્યાંથી સર્ટિફિકેટ લેવામાં આવે જેથી કરીને સત્તાવાર રીતે રત્નકલાકાર છે તે જાણી શકાય ફેક્ટરીનો માલિક પોતાના ફેક્ટરીમાં કામ કરનાર કલાકાર અંગે સર્ટિફિકેટ આપે. વ્યવસાય વેરાના આધારે પણ રત્ન કલાકારોની ઓળખ થઈ શકે છે.








