બાવળા પાલિકામાં માયાવતીની BSP કિંગ મેકર, સત્તા મેળવવા કોંગ્રેસ- ભાજપ અવઢવમાં
અમદાવાદના બાવળા નગરપાલિકામાં સાત વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 78 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા

અમદાવાદના બાવળા નગરપાલિકામાં સાત વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 78 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. આજે બાવળા ગર્લ્સ હાઇસ્કુલમાં બાવળા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકોની મતગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપ 14 બેઠકો પર, કોંગ્રેસ 13 બેઠકો પર અને એક બેઠક પર બીએસપીનો વિજય થયો હતો. બાવળા નગરપાલિકામાં બહુમતિ માટે 15 બેઠકો જીતવી જરૂરી છે. જે કોઈ પણ પાર્ટીને મળી નથી. આમ બાવળા નગરપાલિકામાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી.
બાવળા પાલિકાનો કબજો કરવો હોય તો કોઈપણ પક્ષે 15 બેઠકો જીતવની હોય છે. ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં જીતેલા બીએસપીના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ કિંગ મેકર બને તેવી હાલ ચર્ચાઓ જાગી છે. કેમકે ભાજપ 14 બેઠકો પર વિજય થઈ છે જો બીએસપીના કાળુભાઈ ચૌહાણ ભાજપમાં જાય તો ભાજપને 15 બેઠકો થાય અને પાલિકા પર કબજો મેળવી શકે છે.
પરંતુ જો બીએસપીના કાળુભાઈ ચૌહાણ કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસને 14 બેઠકો થાય અને ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીને 14- 14 બેઠકો મળે. આવી સ્થિતિમાં પાલિકા કબજે કરવામાં વિનિંગ ટોસ ઉછાળીને નિર્ણય લઈ શકાય છે. બાવળા નગરપાલિકામાં માયાવતીની પાર્ટીના કાળુભાઈ ચૌહાણ કોની સાથે જોડાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. કાળુભાઈ કોંગ્રેસ સાથે જશે કે ભાજપ પોતાની પાર્ટીમાં આકર્ષવામાં સફળ થાય છે તે આવનાર સમય બતાવશે.






