જામનગર: નિવૃત કર્મચારીને શેર બજારમાં નફાની લાલચ આપી 50 લાખથી વધુ ખંખેરનાર શખ્સ ઝડપાયો
જામનગરમાંથી શેર બજારમાં રોકાણની લાલચ આપી ઓનલાઇન છેતરપિંડી થવાની ઘટના સામે આવી છે. જેમાં શેર બજાર

જામનગરમાંથી શેર બજારમાં રોકાણની લાલચ આપી ઓનલાઇન છેતરપિંડી થવાની ઘટના સામે આવી છે. જેમાં શેર બજારમાં વધુ નફાની આવક કરવાની લાલચમાં એક નિવૃત્ત કર્મચારી ફસાયા છે. છેતરપિંડીની ઘટનામાં 50 લાખથી વધુની રકમ પડાવતા નિવૃત્ત કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.
જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ કિંગ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા સામજીભાઈ ડાયાભાઈ અટારાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત જુલાઈ માસના ગાળા દરમિયાન સ્વેતા નામની યુવતીનો ફોન આવ્યો હતો. યુવતીએ પોતાની ઓળખ ઇન્દોરની કન્ફ્લુએન્સ રીસર્ચ નામની શેર માર્કેટમાં રોકાણ કરતી કંપનીમાં નોકરી કરતી હોવાનું જણાવી તગડા વ્યાજની લાલચ આપી રોકાણ કરવા કહ્યું હતુ. નિવૃત પ્રોફેસરે સ્વેતાના કહ્યા મુજબ 10 હજાર રજીસ્ટ્રેશન ફી ભરીને કંપનીમાં રોકાણ કરવા મન મનાવ્યું હતુ.
આ પણ વાંચો : અમદાવાદ: શેર બજારમાં વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
ત્યારબાદ સિનિયર સિટીઝનને આપવામાં આવતા ૨૫ ટકા ડિસ્કાઉન્ટ માટે વધુ ૫૦ હજારની માંગણી કરી પ્રોફેસર પાસે અડધા લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. પ્રોફેસરે વધુ નફો કમાવવાની લાલચમાં આવી જઈને કટકે કટકે આ ચીટર ટોળકીએ આપેલા બેંક એકાઉન્ટમાં રૂ.97 હજાર તેમજ બીજા બેંક એકાઉન્ટમાં રૂ.22,95,100 ટ્રાન્સફર કર્યા હતાં. તેમજ બન્ટી શર્મા નામનો શખસ જામનગરમાં બે વખત આવીને પ્રોફેસર પાસેથી રોકડ રૂ.8,25,000 મળીને કુલ રૂ.32,17,100 પડાવી લીધા હતાં. તેમ છતાં આ ચીટર ટોળકીને સંતોષ ન થતાં પ્રોફેસર પાસે તેમની પત્નીના મારવાડી શેર એન્ડ ફાઈનાન્સ લીમીટેડના ડીમેટ એકાઉન્ટમાં રહેલા રૂ.17,96,228ના શેર ગીરવે રખાવ્યા હતા.
તે શેર પણ વેંચી નાંખીને કુલ રૂ.50,13,328 લઈને કોઈપણ જાતનું શેર માર્કેટમાં વળતર નહીં આપી તેમજ રોકેલા નાણા પણ પરત નહીં આપીને ઓનલાઈન છેતરપીંડી આચરી હતી. પ્રોફેસરને જાણ થઈ કે, તેમની સાથે ચીટીંગ થયું છે. જેથી તે જામનગરની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને પ્રોફેસરની ફરિયાદ પરથી સ્વેતા મેડમ, અંકિતભાઈ અને બન્ટી શર્મા નામના શખસો સામે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે અંગેની પીઆઈ આઈ.એ.ધાસુરાએ તપાસ હાથ ધરીને પીએસઆઈ એન. પી.ઠાકુર સહીતની ટીમને ઈન્દોર ખાતે મોકલી હતી. જ્યાં એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે અને જામનગર લાવવામાં આવી રહ્યો છે.






