મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર / ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસ બાપુનું 115 વર્ષની વયે નિધન, હરિદ્વારમાં થશે અંતિમ સંસ્કાર

ભાવનગર શહેરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત અને પરમ ગૌસેવક પ

ભાવનગર / ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસ બાપુનું 115 વર્ષની વયે નિધન, હરિદ્વારમાં થશે અંતિમ સંસ્કાર

ભાવનગર શહેરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત અને પરમ ગૌસેવક પૂજ્ય મદનમોહનદાસજી બાપા બ્રહ્મલીન થયા છે. લાખો સેવક સમુદાય વચ્ચેથી ગઈકાલે 3જી મેની રાત્રે 10 કલાકે મદનમોહનદાસ બાપુએ વિદાય લીધી છે. તેમનું નિધન થતા ભકતજનોમાં શોકની લાગણી પ્રસરી છે.

ભાવનગર શહેરના જવાહર મેદાન કે જ્યાં 225 વર્ષ પૂર્વે લશ્કરી છાવણીનો ધમધમાટ જોવા મળતો હતો, જ્યાંથી એક હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. મૂર્તિની  દેરી બનાવી સ્થાપના કરવામાં આવી હતી, જે દેરી સમય જતાં ગોળીબાર હનુમાનના નામે પ્રસિદ્ધ બની હતી. આ મંદિર પ્રત્યે લોકોને અનન્ય આસ્થા છે. લોકો ઘરેથી નીકળતા સવારના પહેલા ગોળીબાર હનુમાનજીના દર્શન કરી પછી કામધંધે ચડતા હોય છે.

ગોળીબાર હનુમાનજી મંદિરમાં વર્ષો પહેલા મદનમોહન બાપુએ સેવા-પૂજા શરૂ કરી હતી અને સમયાંતરે મંદિરનો વિકાસ કર્યો હતો, અને ત્યાં હનુમાનજી ઉપરાંત અન્ય દેવીદેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી. આજે આ મંદિર મોટા વટવૃક્ષ સમાન બની ગયું છે, અને જેનો તમામ શ્રેય માત્ર મદનમોહનદાસ બાપુને જ આપી શકાય.

મદનમોહનદાસ બાપુનું એક જ સૂત્ર હતું, “રામજી કી ઈચ્છા સે.” મંદિરે બાપુ પાસે ઘણા લોકો અનેક પ્રશ્નોના નિરાકરણ માટે આવતા અને બાપુને જણાવતા પરંતુ બાપુના મુખે માત્ર એક જ શબ્દ નીકળતો ‘રામજી કી ઈચ્છા સે.” 

મદનમોહનદાસ બાપુને ગાયો ખૂબ જ પ્રિય હતી. આમ કહીએ તો તેમનું સમગ્ર જીવન તેમણે ગાયોની સેવા પાછળ ન્યોછાવર કરી દીધું હતું. એમનો એક જ મંત્ર ભૂખ્યાને ભોજન. જે માટે બાપુએ મંદિરથી  ખીચડી રથ ચલાવવાનો પ્રારંભ કર્યો હતો. આ રથ આખા ભાવનગરમાં ફરી ભૂખ્યાને બે ટંકનું અન્ન પ્રદાન કરે છે.

ગૌમાતાના પરમ સેવક એવા મદનમોહનદાસ બાપુએ લાંબી બીમારી બાદ 115 વર્ષની વયે ભક્તજનો વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે તેમના અંતિમ દર્શન માટે મંદિરના પ્રાર્થના હોલમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી બાપાના અંતિમ દર્શન માટે ભકતજનોએ લાઈનો લગાવી મદનમોહનદાસ બાપાને અશ્રુભીની વિદાય આપી હતી. 

મદનમોહનદાસ બાપુના પાર્થિવદેહની હરિદ્વાર ખાતે અંતિમ વિધિ કરવામાં આવનાર છે, ત્યારે બાપુને અંતિમ વિદાય આપવા ભાવનગરથી હરિદ્વાર જવા અનેક ભક્તજનો રવાના થયા છે.

આ સમાચાર શેર કરો