સુરેન્દ્રનગરમાં કમળાનો કહેર : ઓર્થોપેડિક ડૉક્ટરનું કમળામાં મોત, આરોગ્ય તંત્ર સામે સવાલ
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓર્થોપેડિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પાર્થ બૂમતાળિયાનું કમળાની ગંભીર બિમારીના કારણે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે.
ડૉ. બૂમતાળિયાના અવસાનથી સમગ્ર સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સહકર્મીઓએ તેમને એક કર્તવ્યનિષ્ઠ, અનુભવી અને દર્દીઓ માટે હંમેશા સમર્પિત ડોક્ટર તરીકે યાદ કર્યા.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કમળા, કોલેરા અને અન્ય પાણીજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક આરોગ્ય તંત્ર માટે આ એક મોટું ચિંતાનો વિષય બની ગયું છે. શહેરના મોટા ભાગના ફિલ્ટર પ્લાન્ટો હાલમાં બંધ હાલતમાં છે. પરિણામે ડેમમાંથી મળતું પાણી કોઈ પણ પ્રકારના શુદ્ધિકરણ વિના સીધું નળ મારફતે નાગરિકોના ઘરો સુધી પહોંચે છે. આ પરિસ્થિતિથી પાણીજન્ય રોગોનો ફાટકો પડી રહ્યો છે.
સુરેન્દ્રનગર શહેરમાં હાલ આરોગ્ય વ્યવસ્થા ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. પોષણહીન, અશુદ્ધ પાણી અને સાફસફાઈના અભાવે કમળા, કોલેરા, ટાઈફોઇડ જેવા જીવલેણ રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે. જેને કારણે નાગરિકોમાં ભયનો માહોલ છે.
નાગરિકો દ્વારા માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક તમામ ફિલ્ટર પ્લાન્ટો ચાલુ કરાવવામાં આવે, અને શહેરમાં પાણીની ગુણવત્તા નિયંત્રણ માટે કડક પગલાં લેવામાં આવે. આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.







