અમદાવાદ: L.G. હોસ્પિટલમાં ડૉક્ટર પર હુમલો, દર્દીના સ્વજને ઉશ્કેરાટમાં તબીબનું ગળું દબાવ્યું
કોલકોતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથ

કોલકોતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. અમદાવાદની LG હોસ્પિટલમાં તબીબ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે L.Gમાં રવિવારે વહેલી સવારે ઝેરી દવાપીને આત્મહત્યા કરનાર એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. દર્દીને ઈમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લાવી હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટરે દર્દીની સારવાર શરૂ કરી હતી, તે દરમ્યાન દર્દીના સગાને દર્દીએ કઈ દવા પીધી હતી, તે ઘટનાની કેવી રીતે બની તે અંગે વિગત પુછી રહ્યા હતા. ત્યારે દર્દીના સ્વજનો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તમે સારવાર કરો એમ કહી બોલાચાલી કરી રહ્યા હતા.
એક વ્યક્તિએ ડોક્ટરનું ગળું દબાવ્યું
આ સમયે ત્યાં હાજર અન્ય રેસિડેન્ટ ડોક્ટર રવિ ચૌધરી ત્યાં પહોંચ્યા હતા. જેમણે દર્દીના સ્વજનને સારવાર માટે કેટલી ક માહિતી પુછવી જરૂરી છે, જેથી યોગ્ય સારવાર કરી શકાય એમ સ્વજનને કહ્યું હતું, ત્યાં અન્ય એક વ્યક્તિ મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યો હતો. જેથી રવિ ચૌધરીએ વીડિયો ઉતારવાની મનાઈ કરતા આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવારજોન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ઝપાઝપી શરૂ થતાં એક વ્યક્તિએ ડોક્ટરનું ગળું દબાવ્યું હતું.
તું અમને ઓળખતો નથી એમ કહી આપી ધમકી
હોસ્પિટમાં ત્યાં હાજર સિક્યરીટી બાઉન્સરે ડોક્ટરને છોડાવ્યા હતા. દર્દીના પરિવારજને ડોક્ટરને ધમકી આપતા કહ્યું તું મને ઓળખો નથી. હું તને જોઈ લઈશ. આ પ્રકારની ધમકી આપતા રેસિડેન્ટ ડોક્ટરો ઈમરજન્સી સેવા છોડીને ચાલ્યા ગયા હતા.
હોસ્પિટલમાં પોલીસ ચોકી બનાવવા રજુઆત કરાશે
એલ.જી.હોસ્પિટલમાં ઈમરજન્સી ટ્રોમા સેન્ટરની બહાર અને મુખ્ય દરવાજા પાસે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવેલા છે. આ ઘટના બાદ ઈમરજન્સી ટ્રોમા સેન્ટરની અંદર પણ એક કે કે બે સિક્યુરિટી ગાર્ડ ફરજ ઉપર મુકવા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા વિચારણા કરાઈ રહી છે. હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા છે. ઉપરાંત હોસ્પિટલ સંકુલમાં પોલીસ ચોકી બનાવવા પણ મ્યુનિસિપલ તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવશે. 24 કલાક પોલીસની હાજરી હોય તો દર્દીના સ્વજનો અને ડોક્ટરો સાથે થતા ઘર્ષણના બનાવો ટાળી શકાય.
મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
રેસિડેન્ટ ડોક્ટરનું ગળુ દર્દીના સ્વજન દ્વારા દબાવી દેવાની ઘટના અંગે એલ.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ઼ટેન્ડન્ટે દર્દીના પરિવારજન દ્વારા રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો કરવાની ઘટના બનતા મણિનગર પોલીસ સ્ટેશનમાં દર્દીના પરિવારજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે








