મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડિપ્લોમાં એન્જિ.ના પ્રથમ રાઉન્ડમાં 78 ખાનગી કોલેજમાં 30 ટકાથી પણ ઓછો પ્રવેશ

ધોરણ 10 પછીના રેગ્યુલર ડિપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન

ડિપ્લોમાં એન્જિ.ના પ્રથમ રાઉન્ડમાં 78 ખાનગી કોલેજમાં 30 ટકાથી પણ ઓછો પ્રવેશ

ધોરણ 10 પછીના રેગ્યુલર ડિપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડમાં ડિપ્લોમાંની 117 ખાનગી કોલેજોમાંથી 78 ખાનગી કોલેજમાં 30 ટકાથી પણ ઓછો પ્રવેશ થયો છે. જ્યારે માત્ર 2 જ કોલેજમાં 80 ટકાથી પણ વધુ પ્રવેશ કન્ફર્મ થયા છે. પ્રથમ રાઉન્ડમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 99 ટકા તેમજ ખાનગી કોલેજોની માત્ર 22 ટકા જ બેઠકોમાં પ્રવેશ કન્ફર્મ થયો છે. 

સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની 99 ટકા જ્યારે ખાનગી કોલેજોની માત્ર 22 ટકા જ બેઠકોમાં પ્રવેશ કન્ફર્મ થયો 

ડિપ્લોમાં ઈજનેરીમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોની 69 હજારથી વધુ બેઠકોમાંથી પ્રવેશ સમિતિએ ભરવાની થતી 60804 બેઠકો તથા ટીએફડબલ્યુ (ટ્યુશન ફી વેવર)ની 1904 સહિત કુલ 62708 બેઠકો માટે પ્રથમ રાઉન્ડ કરાયો હતો. જેમાં પ્રથમ રાઉન્ડમાં ઈડબલ્યુએસ સાથેની સરકારી ગ્રાન્ટેડ કોલેજોની 22213 બેઠકો અને  ટીએફડબલ્યુની 1006 સહિત 23219 બેઠકોમાંથી 20820 બેઠકોમાં પ્રવેશ ફાળવાયો હતો. જેમાંથી 17843 વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરતા 77 ટકા પ્રવેશ કન્ફર્મ થયા છે.જ્યારે ખાનગી કોલેજોની 39480 બેઠકોમાંથી 11683 બેઠકોમાં પ્રવેશ ફાળવાયો હતો. પરંતુ માત્ર 8520 વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કર્યો છે. આમ હાલ ખાનગી કોલેજોની માત્ર 22 ટકા જ બેઠકો ભરાઈ છે. અને સરકારી અને ખાનગી મળીને કુલ 42 ટકા બેઠકો જ ભરાઈ છે. સરકારી - ગ્રાન્ટેડ કોલેજોમાં 13 ટકા વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા છતાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. 

પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ પ્રથમ રાઉન્ડના અંતે  હાલ સરકારીની 31માંથી 9 કોલેજોમાં અને ગ્રાન્ટેડની પાંચમાંથી ચાર તેમજ ખાનગીની 117માંથી માત્ર 2 કોલેજોમાં 80 ટકાથી વધુ પ્રવેશ કન્ફર્મ થયા છે. જ્યારે 78 ખાનગી કોલેજોમાં 30 ટકાથી પણ ઓછા પ્રવેશ થયા છે. 

સરકારી અને ખાનગી સહિતની કુલ 153 કોલેજોમાંથી 15 કોલેજોમાં 70થી 80 ટકા, 6 કોલેજોમાં 60થી 70 ટકા અને 11 કોલેજમાં 50થી 60 ટકા તથા પાંચ કોલેજમાં જ 40થી 50 ટકા બેઠકોમાં વિદ્યાર્થી મળ્યા છે. ઉપરાંત 9 ખાનગી કોલેજને એક પણ વિદ્યાર્થી ન મળતા ઝીરો ટકા પ્રવેશ છે. પ્રથમ રાઉન્ડના અંતે ડિપ્લોમાંની કુલ 62708 બેઠકો સામે માત્ર 26363 પ્રવેશ કન્ફર્મ થતા હજુ પણ 36345 બેઠકો ખાલી પડી છે. 

આ સમાચાર શેર કરો