સુરતના કિકવાડ ગામે મરઘાની લાલચ દીપડીને ભારે પડી, મારણ કરવા આવતા પૂરાઈ પાંજરે
સુરત જિલ્લાનો બારડોલી વિસ્તાર દીપડાઓ માટે જાણે અભ્યારણ્ય બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. શેરડીના કટિંગ થઈ જતાં હાલ

સુરત જિલ્લાનો બારડોલી વિસ્તાર દીપડાઓ માટે જાણે અભ્યારણ્ય બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. શેરડીના કટિંગ થઈ જતાં હાલ દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પણ સતત દેખા દેવા લાગ્યા છે. ત્યારે બારડોલી તાલુકાના જૂની કિકવાડ ગામમાં દીપડીને પાંજરામાં પકડવામાં સફળતા મળી છે. જેથી લોકોએ દીપડીના ડરમાંથી આંશિક છૂટકારો મેળવ્યો છે.
બકરા-વાછરડાનો શિકાર કર્યો
નવા ફળિયામાંથી બે બકરા અને ગભાણ ફળિયામાં નવીનભાઈ ચૌધરીના વાછરડાનો શિકાર થયો હતો. રાજુભાઈ માઘુભાઈ ચૌધરીને ત્યાં વારંવાર મરઘાંના શિકારની ઘટનાઓ બની હતી.ગ્રામજનોએ આ અંગે વનવિભાગને જાણ કરી હતી. જેથી નવા ફળિયા અને ગભાણ ફળિયામાં મારણ સાથે બે પાંજરા મૂકવામાં આવ્યા હતાં. રાત્રે બે વાગ્યાની આસપાસ રાજુભાઈ ચૌધરીના ઘરની બાજુમાં મારણ ખાવાની લાલચે પાંચ વર્ષની માદા દીપડી પાંજરામાં પૂરાઈ હતી.
લોકોએ રાહતનો શ્વાસ લીધો
દીપડી પાંજરે પૂરાતા લોકો જોવા માટે આવ્યાં હતાં. સાથે જ રાહતનો શ્વાસ પણ લીધો હતો. વન વિભાગના કર્મચારી કૌશિકભાઈ દીપડીનો કબજો લઈ વન વિભાગની ઓફિસે લઈ ગયા હતાં. પ્રાથમિક તપાસ બાદ ઉપલા અધિકારીઓના માર્ગદર્શન મુજબ દીપડીને જંગલમાં છોડી મૂકવામાં આવશે.






