Kutch: ભુજની પાલારા જેલમાં મોબાઈલ મળ્યો, જપ્તી રોકવા માટે કેદીઓએ જેલ કર્મચારીઓ સાથે કરી ઝપાઝપી

ભુજની પાલારા જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, જ્યાં જેલ પ્રશાસનના કથિત 'છૂપા આશીર્વાદ' હેઠળ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં રૂટિન ચેકિંગ દરમિયાન કાચા કામના એક કેદી પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને હેડફોન મળી આવતાં જેલમાં હડકંપ મચી ગયો હતો.
કમરના ભાગે છુપાવ્યો હતો મોબાઈલ
જેલ સ્ટાફ દ્વારા રૂટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે કાચા કામના કેદી અશોક લીલાધર કનાદે પાસેથી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. કેદી અશોક કનાદેએ આ મોબાઈલ ફોન પોતાની કમરના ભાગે છુપાવ્યો હતો.
મોબાઈલ જપ્ત કરવા જતાં ઝપાઝપી
મોબાઈલ જપ્ત કરવાની કાર્યવાહી દરમિયાન અન્ય બે કેદીઓ, શક્તિસિંહ ગોહિલ અને જયદેવસિંહ ઝાલાએ જેલ સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. તેમનો ઈરાદો મોબાઈલ ફોન કાચા કામના કેદી અશોકને પરત અપાવવાનો હતો. આ ઘટનાએ જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
જેલ અધિક્ષક અને સ્ટાફ સામે ગંભીર આક્ષેપ
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેલમાં વારંવાર મોબાઈલ સહિત અનેક વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવવા પાછળ ભ્રષ્ટ અધિક્ષક અને કર્મચારીઓ જવાબદાર છે. અનેકવાર ફરિયાદ કરવા છતાં કોઈ પણ કેદી સામે કાર્યવાહી થતી નથી, જેના કારણે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલે છે.
આ સમગ્ર ઘટના મામલે જેલ પ્રશાસન દ્વારા ઝપાઝપી કરનારા બે કેદીઓ સહિત કુલ ત્રણ કેદીઓ વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

