મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છના સર ક્રીક વિસ્તારમાં BSFનું ઓપરેશન, 4 પાકિસ્તાની માછીમારો બોટ સાથે ઝડપાયા

કચ્છના સર ક્રીક વિસ્તારમાં BSFનું ઓપરેશન, 4 પાકિસ્તાની માછીમારો બોટ સાથે ઝડપાયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કચ્છના સરક્રીક વિસ્તારમાં ભારતીય જળસીમામાં ગેરકાયદે પ્રવેશના મામલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન BSFએ ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી એક ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે.

BSFનું સર્ચ ઓપરેશન

પ્રાપ્ત વિગતો અનુસાર, સર ક્રીક વિસ્તારમાં BSFને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશેલા ચાર પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા માછીમારોની ઓળખ કાદિર થાઇમોર, મુહમ્મદ મુસા, અઝગર થાઇમોર અને અહસાન જાટ તરીકે થઈ છે.

કરચલા પકડવાના બહાને ભારતીય જળસીમામાં પ્રવેશ્યા

પ્રાથમિક તપાસમાં ચારેય પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાનના સિંધ પ્રાંતના ચાચ જાન ખાન વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ કરચલા પકડવાના બહાને ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જોકે, તેમની પ્રવૃત્તિ પાછળનો ચોક્કસ હેતુ જાણવા સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સર ક્રીક વિસ્તાર ભૌગોલિક અને વ્યૂહાત્મક દૃષ્ટિએ સંવેદનશીલ હોવાથી અહીં સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ કરે છે. આ વિસ્તારમાં ઘૂસણખોરીની શક્યતાઓને ધ્યાનમાં રાખીને BSF દ્વારા દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ચાર પાકિસ્તાની માછીમારોની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ તેમની પૂછપરછના આધારે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો