મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કચ્છના રાપરમાં વહીવટી તંત્રનો સપાટો: 1400 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

સોર્સ: gstv

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખીરઈ ગામ પાસે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણને વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક હટાવવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ખીરઈ ગામે બાદરગઢ પાટિયા પાસે વાગડ હોટલ નજીક આ દબાણ હટાવવાની વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને પૂર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરી અંતર્ગત કોઈપણ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે આખી કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પાર પડી હતી. આ ઓપરેશન દરમિયાન આશરે 1400 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીનને દબાણમુક્ત કરાવવામાં આવી છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે 20 લાખ રૂપિયા જેટલી થાય છે. નોંધનીય છે કે રાપરના ડાભૂંડા ગામના રહેવાસી અલુભા ભેરજી સોઢા દ્વારા આ સરકારી જમીન પર કોમર્શિયલ દબાણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ દબાણ કરનાર ઇસમ સામે અગાઉ પ્રોહિબિશન અને મારામારી જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો