Video: જૂનાગઢના કેશોદમાં મગફળી પાક અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

જૂનાગઢના કેશોદ સ્થિત ભોલે સીડ્સ ઇન્ડસ્ટ્રીઝમાં મીલ માલિકો અને વેપારીઓની હાજરીમાં મગફળીના પાક અંગેનો સૌથી મોટો વાર્ષિક ક્રોપ સર્વે યોજાયો હતો. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા ૧૬મો વાર્ષિક ક્રોપ સર્વે હાથ ધરાયો છે. રાજ્યમાં ૨૩ ટકા વરસાદની ઘટ છતાં જૂનાગઢ અને કેશોદ પંથકમાં મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં વધુ સારું રહેવાની આશા છે. જોકે, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ૭૦ ટકાથી ઓછો વરસાદ પડતા ખેડૂતો પર સંકટ ઘેરાયું છે. અલ નીનોની અસરથી શિયાળુ પાક પર પણ પાણીની અછતનો ખતરો મંડરાઈ રહ્યો છે. મગફળીના કુલ ઉત્પાદનનો આખરી સત્તાવાર આંકડો આવતીકાલે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે.








