Video: કચ્છમાં રોડ ટુ હેવન' બાદ હવે વાગડનો 'એકલ-બાંભણકા રોડ' પ્રવાસીઓ માટે નવું આકર્ષણ

વાગડ પંથક રણના વિશાળ પટ વચ્ચેથી પસાર થતા 'એકલ-બાંભણકા રોડ'ની બંને તરફ પાણી સુકાયા બાદ મીઠાની સફેદ ચાદર પથરાઈ જતા સમગ્ર વિસ્તાર અનંત સફેદ રણ એટલે કે 'રોડ ટુ ઈન્ફિનિટી' જેવો નયનરમ્ય દેખાઈ રહ્યો છે.ભચાઉ તાલુકાના એકલથી ખડીર બેટના બાંભણકાને જોડતો માર્ગ ચોમાસા દરમિયાન પાણીથી ઘેરાયેલો રહે છે, પરંતુ નવેમ્બર માસમાં ઠંડીની શરૂઆત થતા જ પાણી સુકાઈ જવાથી અહીં કુદરતી રીતે સફેદ રણનું નિર્માણ થાય છે. આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને બાજુ અનંત સુધી ફેલાયેલા સફેદ રણની વચ્ચે કાળી ડામરની સીધી સડક પ્રવાસીઓને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. ખાસ કરીને વહેલી સવારના સૂર્યોદય અને સંધ્યાકાળના સૂર્યાસ્ત સમયે સોનેરી કિરણો સફેદ મીઠા પર પડતા અદભુત નજારો સર્જાય છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આવતા પ્રવાસીઓ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા પહોંચવા માટે આ માર્ગ મહત્વની કડી સમાન છે. અગાઉ ધોરડો અને રોડ ટુ હેવન પૂરતું સીમિત રહેલું રણ પ્રવાસન હવે વાગડના આ અંતરિયાળ વિસ્તારમાં પણ વિસ્તરી રહ્યું છે.















