મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં સોની પર હુમલો કરી 30 લાખથી વધુ ઘરેણાંની લૂંટ મચાવનાર 2 આરોપીની ધરપકડ

કચ્છ જિલ્લામાં નખત્રાણાના કોટડા જડોદર ગામે શનિવારે રાત્રે સોની વેપારી પર ઘ

કચ્છમાં સોની પર હુમલો કરી 30 લાખથી વધુ ઘરેણાંની લૂંટ મચાવનાર 2 આરોપીની ધરપકડ

કચ્છ જિલ્લામાં નખત્રાણાના કોટડા જડોદર ગામે શનિવારે રાત્રે સોની વેપારી પર ઘાતક હુમલો કરીને ૩૦.૭૨ લાખના મૂલ્યના ૪૮ તોલા સોનાના ઘરેણાંની લૂંટના ગુનામાં સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ખાવડા નજીક આવેલા દેઢિયા (જુણા) ગામના નાલે મીઠા શકુર સમા અને મુસ્તાક પચાણ સમા નામના બે યુવકોને અંદાજે ૧૪૦ ગ્રામ સોનાના દાગીના અને સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડ્યાં છે. ગુનાનો માસ્ટરમાઈન્ડ અબડાસાના મોટી વમોટી ગામનો મામદ સિધિક હિંગોરજા  હોવાનું બહાર આવ્યું છે. જો કે, તે પોલીસને હાથ લાગ્યો નથી.

મામદ હિંગોરજાનો ભાઈ અને કેટલાંક પરિવારજનો કોટડા (જડોદર) ગામે વસવાટ કરતાં હોઈ તે અવારનવાર અહીં આવ-જા કરતો હતો. નીલકંઠ જવેલર્સના રમેશ સોની પાસેથી મોટો માલ મળવાના ઈરાદે તેણે બે સાગરીતો સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. લૂંટ માટે કારની જરૂર હોઈ ભુજના તેમના મિત્ર પાસેથી ગાડી લઈ આવ્યો હતો. લૂંટ બાદ ત્રણે જણાં અંતરિયાળ આંતરિક રસ્તાઓ મારફતે ગામડામાં છૂપાઈ ગયાં હતા. બીજા દિવસે દેઢિયાના બેઉ આરોપી કાર લઈને દેઢિયા ગયા હતા.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર: ગેસ ગળતર મામલે વધુ એકની હાલત ગંભીર, કોન્ટ્રાક્ટરની અટકાયત સાથે 2 સામે ફરિયાદ

કારની તૂટેલી હેડલાઈટના કારણે પોલીસે તેમને આઈડેન્ટીફાઈ કરી લીધાં હતા. ગુનાનો ભેદ ઉકેલવામાં નખત્રાણા પોલીસ ઉપરાંત એસઓજી, એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વૉડની ટીમો જોડાઈ હતી. એસઓજી આરોપીઓ સ્વિફ્ટ કાર લઈને ભુજ આવી રહ્યાં હોવાની બાતમીના આધારે લોરિયા પાસે વૉચ ગોઠવીને તેમને ઝડપી પાડ્યાં છે. લૂંટનો મોટાભાગનો મુદ્દામાલ મામદ હિંગોરજા પાસે છે. મામદને ઝડપી પાડવા ચોમેર શોધખોળ આધરી છે.

આ સમાચાર શેર કરો