કચ્છ યુનિવર્સિટી ભરતી કૌભાંડમાં શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ, જાણો વિગત
Kutch University recruitment scam : ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર

Kutch University recruitment scam : ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. આ કૌભાંડ અંગે ગાંધીનગર સુધી ઉચ્ચકક્ષાએ ફરિયાદ થતા રાજ્યના શિક્ષણ વિભાગની તપાસ સમિતિ આજે યુનિવર્સિટી આવી પહોંચી હતી અને તપાસ આરંભી હતી.
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ગત મહિને આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને 4 સેક્સન ઓફિસર સહિત 28 નોન ટીચિંગ સ્ટાફની ભરતીની પ્રક્રિયામાં કૌભાંડની ફરિયાદ કરવામાં આવી હતી. નોન ટીચિંગ સ્ટાફની 28 જગ્યા પૈકીની 5 પદ પર ગેરકાયદેસર નિમણુંક અંગે ગાંધીનગર સુધી ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી.
આજે રાજ્યના શિક્ષણ વિભાગની તપાસ સમિતિ આ કૌભાંડની તપાસ અર્થે યુનિવર્સિટી આવી પહોંચી હતી. રાજ્યના શિક્ષણ વિભાગે એમ.એન.કોલેજ, વિસનગરના આચાર્ય ડો.આર.ડી.મોઢના અધ્યક્ષ સ્થાને બનેલી તપાસ સમિતીએ કચ્છ યુનિવર્સીટી ખાતે પહોંચી તપાસ આદરી હતી.
16 નિયમનો ભંગ કરી 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ગેરકાયદે ભરતી
કચ્છ યુનિવર્સિટીમાં 16 નિયમોનો ભંગ કરી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તેમજ રજિસ્ટ્રારના પી.એ. તરીકે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા બે સહિત 5 મળતિયાઓને યુજીસીના
સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ કે એક્ટનો ભંગ કરીને કાયમી ઓર્ડર આપવામાં આવ્યો હતો. 8 માર્ચ 2024ના રોજ વેબસાઈટ પર નોટિફિકેશન નંબર કે આઉટવર્ડ નંબર વિના જાહેરાત મૂકી 26 ડિસેમ્બર 2024ના રોજ પાંચેય લાગતા વળગતાઓને ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક આપી દઈ 28 ડિસેમ્બર 2024ના રોજ હોદ્દાની પણ ફાળવણી કરી દેવામાં આવી હતી.
આજે ફરિયાદીઓને આધાર પુરાવા સાથે ફરિયાદ સંદર્ભે નિવેદન માટે કચ્છ યુનિવર્સિટી કેમ્પસ 12 કલાકે અને 3 કલાકે શ્રીઆર.આર.લાલન કોલેજ ખાતે હાજર રહેવા જણાવામાં આવ્યું હતું. તપાસ સમિતિએ ફરિયાદીઓના નિવેદન નોંધ્યા હતા.








