મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ન્યુઝ પેપરમાં પેઈડ જાહેરાત છપાવી ક્ષત્રિય સમાજમાં ભાગલા પડાવવાનો ભાજપનો પ્રયાસ? સંકલન સમિતિના આક્ષેપો

Lok Sabha Election 2024 : પરશોત્તમ રૂપ

ન્યુઝ પેપરમાં પેઈડ જાહેરાત છપાવી ક્ષત્રિય સમાજમાં ભાગલા પડાવવાનો ભાજપનો પ્રયાસ? સંકલન સમિતિના આક્ષેપો

Lok Sabha Election 2024 : પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજનું આંદોલન આખા રાજ્યમાં ચાલ્યું. ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લીધો છે. આ જોતા ભાજપે છેલ્લી ઘડીના પ્રયાસ રૂપે ભાજપના જ ક્ષત્રિય નેતાઓના નામે 3 પેજનું એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી કે પરશોત્તમ રૂપાલાને માફી આપો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપી ભાજપ તરફી મતદાન કરો. 

આ ઉપરાંત આવું જ એક નિવેદન 'ક્ષમા વિરસ્ય ભૂષણમ્'ના સૂત્ર સાથે ભાજપના નામ સિવાય ક્ષત્રિય આગેવાનોના નામે રાજ્યના અગ્રણી સમાચાર પત્રોમાં  પેઈડ એટલે કે પૈસા આપીને છપાવવામાં આવ્યું છે અને તેમાં પણ પરશોત્તમ રૂપાલાના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમને માફી આપવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપી ભાજપ તરફી મતદાન કરવાની ક્ષત્રિય સમાજને આપીલ કરવામાં આવી છે.

રાજ્યના અગ્રણી સમાચાર પત્રોમાં પૈસા આપીને છપાવવામાં આવેલી આ પેઈડ જાહેરાત સામે રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિએ વાંધો ઉઠાવતા જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. રજૂઆતમાં સંકલન સમિતિએ કહ્યું કે ક્ષત્રિય સમાજના નામે ખોટી જાહેરાતો આપી ભાજપ સમાજમાં ભાગલા પડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોના વિરોધને પગલે ભાજપ મતદાન પહેલા યેન-કેન પ્રકારે ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસો કરી રહ્યું છે, જે આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે. 

ભાજપની પ્રેસનોટ અંગે ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા

અમદાવાદ ખાતે ગઈકાલે 5 મેના રોજ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, 'ભાજપના ક્ષત્રિય નેતાઓ દ્વારા રૂપાલાને માફ કરવા અને ભાજપના વિરૂદ્ધમાં મતદાન ન કરવા વિનંતી કરાઈ છે. રૂપાલા અને કિરીટ પટેલ જેવા નેતાઓએ ક્ષત્રિય સમાજ પર નિવેદનો આપ્યા ત્યારે આ ક્ષત્રિય નેતાઓ ક્યાં હતા? અને અમને સૌથી વધારે એ વાતનું દુઃખ છે કે આવા સમયે સમાજનો સાથ દેવા ભાજપના એકપણ ક્ષત્રિય નેતાઓ આગળ ન આવ્યા. આજે ભાજપ દ્વારા કરાયેલી પ્રેસનોટની ક્ષત્રિય સમાજ પર કોઈ અસર થવાની નથી. ભાજપની ભગિની સંસ્થા દ્વારા એક પત્રિકા ફેરવવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રહિત માટે ભાજપને સમર્થનની વાત કરાઈ છે તેથી અમે જણાવી દઈએ કે, અમને અને જનતાને ખબર છે કે રાષ્ટ્રહિત અને દેશહિત શું છે.'

આ સમાચાર શેર કરો