છેલ્લી ઘડીના પ્રયાસો / ભાજપના ક્ષત્રિય નેતાઓએ ક્ષત્રિય સમાજને વિનંતી કરતો પત્ર લખ્યો, જાણો શું કહ્યું
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં મતદાન આડે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં મતદાન આડે હવે એક જ દિવસ રહ્યો છે. ભાજપ નારાજ ક્ષત્રિય સમાજને મનાવવા છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યું છે. આજે 5 મેં સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા જ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમથી ક્ષત્રિય સમાજને વિનંતી કરતો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. ભાજપના ક્ષત્રિય નેતાઓએ આ પત્રમાં સંયુકત નિવેદન આપીને ભાજપને સમર્થન આપવા વિનંતી કરી છે.
ભાજપના ક્ષત્રિય નેતાઓનું સંયુક્ત નિવેદન - રૂપાલાને માફી આપી પીએમ મોદીને સમર્થન આપો
ભાજપના ક્ષત્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓ સર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ. કે. જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, માંધાતા સિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા (રાજ્યસભા સભ્ય) બળવંતસિંહ રાજપૂત (મંત્રી), જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા (પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)), (ધારાસભ્ય) સી. કે. રાઉલજી, (ધારાસભ્ય)અરુણ સિંહ રાણા( ધારાસભ્ય) વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય)તથા પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય)એ એક સંયુક્ત નિવેદનમાં ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું છે કે ભાજપાની ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં દેશ અને રાજ્યના અન્ય સમાજની સાથે ક્ષત્રિય સમાજનું પણ યશસ્વી પ્રદાન રહ્યું છે. આ વિકાસ પ્રક્રિયા આગામી દાયકાઓમાં પણ ચાલુ રહેવાની છે ત્યારે ક્ષત્રિય સમાજ પોતાની ગૌરવવંતી પરંપરાને જાળવીને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જ પોતાનો બહુમૂલ્ય મત આપીને સમર્થન આપે તેવી અમારા સૌની હૃદય પૂર્વકની ક્ષત્રિય સમાજને અપીલ છે.
આ તમામ ક્ષત્રિય અગ્રણીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં ભારત વિશ્વમાં સન્માન સાથે વિશ્વની ત્રીજી મહા સત્તા બનવા જઈ રહ્યું છે. આ સંજોગોમાં દેશ અને સનાતન ધર્મની રક્ષા એ આપણા સૌનું કર્તવ્ય રહ્યું છે. આપણા સૌના સહકારથી નરેન્દ્રભાઈ મોદી પણ સમગ્ર ભારત વર્ષને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌ આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને સંપૂર્ણ સહયોગ આપી આ પ્રક્રિયામાં સહભાગી બનીએ, તે આપણા સૌનું રાષ્ટ્રીય કર્તવ્ય છે.
ક્ષત્રિય સમાજ રાષ્ટ્રહિતમાં ઉદારતા દાખવી માફી આપે
આ તમામ ક્ષત્રીય આગેવાનોને જણાવ્યું છે કે પરશોત્તમ રૂપાલાના નિવેદનથી દુઃખ અને આઘાત ક્ષત્રિય સમાજને લાગ્યા છે એટલો જ આઘાત ભાજપના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને પણ લાગ્યો છે. સૌના આઘાતની આ લાગણીને તુરત જ ધ્યાનમાં લઈને ખરા દિલથી પરશોત્તમ રૂપાલાએ એક કરતાં વધુ વખત પોતાના વિધાન બદલ દિલગીરી વ્યક્ત કરી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે. પરશોત્તમ રૂપાલાએ એમ પણ કહ્યું છે કે -'ભૂલ મેં કરી છે; તો તેની સજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શા માટે કરો છો?'એમ કહીને પણ પરશોત્તમ રૂપાલાએ વારંવાર માફી માંગી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવી 'ક્ષમાં વિરસ્ય ભૂષણમ'ના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી માફી આપી પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાની પણ પ્રતીતિ કરાવવી જોઈએ.
કોંગ્રેસને સમર્થન ન આપવા, મત ન આપવા કરી આડકતરી અપીલ
જે લોકો પોતાને વિધિવત આમંત્રણ છતાં પણ શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ન જાય, જેના માટે આ દેશના શૂરવીર રાજવીઓ, ક્ષત્રિયોએ બલિદાન આપ્યા એવા આપણા સનાતન ધર્મનું સતત નુકસાન કરીને માત્ર તૂષ્ટીકરણની નીતિમાં રાચનારાઓને ક્યારેય મત ન અપાય, કલમ 370 ની નાબૂદીનો વિરોધ, સી.એ.એ.ના કાનૂનનો વિરોધ, ત્રિપલ તલ્લાક નાબૂદીના કાનૂનનો વિરોધ, સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સમયમાં શાહબાનું કેસના સંદર્ભમાં અપનાવાયેલું વલણ, રામ જન્મભૂમિ કેસને વિલંબમાં નાખવાનો તત્કાલીન યુ.પી.એ સરકારનો અભિગમ, શ્રી રામના અસ્તિત્વને નકારી તેમને કાલ્પનિક પાત્ર કહેવાની નીતિ- તૃષ્ટિકરણની નીતિના આ બધા વરવા ઉદાહરણો આ દેશની જનતાએ અનેક વખત જોયા છે ત્યારે આ તૂષ્ટિકરણની રાજનીતિ કરનારા આ દેશના રાજકારણીઓને આપણો ક્ષત્રિય સમાજ આ ચૂંટણીઓમાં પોતાનો કિંમતી મત આપી કેવી રીતે સમર્થન આપી શકે? એવો પ્રશ્ન પણ પ્રદેશ ભાજપના ક્ષત્રિય અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને કર્યો છે.
રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું
આ અગ્રણીઓએ એમ પણ જણાવ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધીએ પણ હમણાં જ પોતાના વિવાદિત નિવેદન દ્વારા આ દેશની રાજવી પરંપરા અને રાજા રજવાડાઓનું હળહળતું અપમાન કર્યું છે એ જ રીતે ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેમને કોંગ્રેસનું પણ સમર્થન છે, તેઓએ પણ ઈરાદાપૂર્વક રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. આ મહાનુભાવે પોતાના વિધાન બદલ માફી માગવાની પણ બિલકુલ સ્પષ્ટ ના પાડી છે ત્યારે અમને સૌને એ વાતનું દુઃખ છે કે આપણે એટલે કે ક્ષત્રિય સમાજ આ બંનેની માફી મંગાવી શક્યા નથી!! જ્યારે રૂપાલાએ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ક્ષત્રિય સમાજની હૃદય પૂર્વક બે હાથ જોડીને માફી માગી છે ત્યારે ક્ષત્રિય ભાઈઓએ પણ ક્ષમા વીરસ્ય ભૂષણમની પોતાની યશસ્વી અને ગૌરવ વંતી પરંપરા અને સ્વભાવને સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર છે.








